PMના મુખ્ય ત્રણ ધ્યેયને લીધે ગુજરાત મજબુત ભવિષ્ય માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમઃ CM
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝીશનનાં જે ત્રણ મુખ્ય આધાર કહ્યાં છે તેમાં લીડ લઈને ગુજરાત સસ્ટેઇનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાને આપેલા ત્રણ ધ્યેય – રિન્યૂએબલ ઊર્જાનું ઉત્પાદન વધારવું, ઇકોનોમીમાં ફોસીલ ફ્યૂઅલનો ઉપયોગ ઘટાડવો અને ગેસ આધારિત ઇકોનોમી તરફ આગળ વધવા – માટે ગુજરાત સતત પ્રયાસરત છે.
મુખ્યમંત્રી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે આયોજિત “રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર”માં સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અંગે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનએ સમય કરતાં હંમેશા બે કદમ આગળનું વિચાર્યું હતું. જ્યારે દેશમાં સોલાર એનર્જીની ફક્ત વાતો થતી હતી ત્યારે ગુજરાતમાં ચારણકાનાં રણ પ્રદેશમાં એશિયાના પ્રથમ સોલાર પાર્કનો પાયો નાખ્યો હતો. ફોસિલ ફ્યુઅલ આધારિત વીજ ઉત્પાદન પરની નિર્ભરતા ઘટાડીને સૌર તથા બિનપરંપરાગત ઊર્જાથી ઊર્જા આત્મનિર્ભરતાની વડાપ્રધાનની નેમ ગુજરાતે બે દાયકામાં સાકાર કરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના વિચાર સાથે ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપીને ભારતે ઇકોનોમી અને ઇકોલોજીનું બેલેન્સ જાળવીને વિશ્વને મોટું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. તાજેતરમાં ભારતની જી-20 પ્રેસીડેન્સી હેઠળ બધા દેશોએ સસ્ટેનેબલ ફ્યુચર માટે ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ પર સહમતી દર્શાવી છે.
ગુજરાતની રિન્યૂએબલ અનર્જી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનના વિઝનથી રિન્યુએબલ એનર્જી સેક્ટરની ગતિને કારણે આજે ગુજરાત દેશમાં રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે. દેશની કુલ રિન્યૂએબલ એનર્જીની કેપેસીટીમાં રાજ્યનું યોગદાન 16 ટકા જેટલું છે. 11 ગીગાવોટ વિન્ડ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે ગુજરાત દેશમાં વિન્ડ એનર્જીમાં અને ગુજરાત સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલેશનમાં સમગ્ર દેશમાં ટોચનું સ્થાન ધરાવે છે.
મુખ્યમંત્રીએ સેમિનારમાં ગુજરાતની રિન્યૂએબલ પોલીસીની જાણકારી આપતા કહ્યું હતું કે, રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં વધુ રોકાણો આવે તે માટે તાજેતરમાં જ નવી પ્રોત્સાહક રિન્યૂએબલ પોલિસી જાહેર કરી છે. પ્રોએક્ટીવનેસ, બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝ અને રિન્યૂએબલ એનર્જી માટેનાં અનુકૂળ લેન્ડસ્કેપને કારણે ગુજરાત આ ક્ષેત્રનાં રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરવા પ્રતિબદ્ધ છે. આજે ગુજરાતે સૌર અને પવન ઉર્જા સેક્ટરમાં સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. દેશના પુનઃપ્રાપ્ય ઊર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% છે. પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો સામનું કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ધ્યેયને પૂર્ણ કરવા ગુજરાત કામ કરી રહ્યું છે.
કેન્દ્રીય પુનઃપ્રાપ્ય ઊર્જા વિભાગના રાજ્ય મંત્રી ભગવંત ખૂબાએ ગુજરાતે પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સાધેલી પ્રગતિની સરાહના કરી હતી. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા સાકારિત થઈ રહી છે. ભારત વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે 300 GW નું લક્ષ્ય હાસલ કરશે, તેઓ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.