Site icon Revoi.in

ગુજરાતઃ જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં નવી 665 દવાનો ઉમેરો

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) ૨૦૨૪-૨૫માં નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો છે. આ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે  જણાવ્યું હતું કેઅગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં ૭૧૭ દવાઓ હતી, જે હવે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૩૮૨ થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હ્યદય રોગ, ડાયાબીટીશ, બી.પી. તેમજ કીડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરાઇ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં પ્રાથમિક ઉપચારની ૩૦૮ દવાઓ, સેકન્ડરી ઉપચારની ૪૯૫ દવાઓ અને ટર્સરી ઉપચારની ૧૩૪૯ દવાઓ ઉપરાંત સ્પેશીયલ ઉપચાર માટેની ૩૩ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ લીસ્ટમાં ૫૪૩ ટેબ્લેટ, ૩૩૧ ઇન્જેક્શન, ૩૦૦ સર્જીકલ અને ૨૦૮ અન્ય દવાઓનો સમાવેશ થાય છે. 

મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રગ લીસ્ટમાં કાર્ડીઓ વેસ્ક્યુલરની ૨૪ દવાઓ હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૧૭ થઇ છે. તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ ૧૨૦થી વધીને ૧૯૯, એન્ટી કેન્સરની ૧૩થી વધીને ૪૭, ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની ૫૨ થી વધીને ૧૨૩, આમ કુલ ૧૨ જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે. 

(PHOTO-FILE)