ગુજરાતઃ 15થી 18 વર્ષના કિશોરોને સ્કૂલ સંકુલ અને ઘરે જઈને કોરોનાની રસી આપવાનું આરોગ્ય વિભાગનું આયોજન
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોના રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે. કિશોરોને કોરોનાની રસીને લઈને ગુજરાતના આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને રોડમેપ તૈયાર કર્યો છે. રાજ્યના લગભગ 35 લાખ બાળકોને રસી આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ કેમ્પસમાં તથા સ્કૂલે નહીં જતા બાળકોને ઘરે જઈને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 15થી 18 વર્ષના મોટાભાગના કિશોરો સ્કૂલ જતાં હોય છે. જેના પગલે ઝડપી વેક્સિનેશન માટે સ્કૂલોમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં આરોગ્ય વિભાગના તબીબોને હાજર રાખવામાં આવશે. શાળાએ નહિ જતાં બાળકોને સરકાર ઘરે જઈને રસી આપશે. જો વાલીઓ બાળકોને હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં બાળકોને રસી અપાવવા માંગતા હશે તો તેમને અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કિશોરોને રસી લેવા સ્કૂલ સર્ટીફિકેટ અને આઈડી કાર્ડ બતાવવું પડશે. જન્મતારીખનો ઉલ્લેખ હોય એવું સ્કૂલના રિઝલ્ટનું કોઈપણ પ્રમાણપત્ર માન્ય રહેશે. તેની સાથે જ સ્કૂલ આઇડી કાર્ડ પણ માન્ય રહેશે. ખાનગી હોસ્પિટલો પણ વિદ્યાર્થીઓને રસી આપી શકે તે માટે મંજૂરી આપી શકાશે. માતા-પિતાની પરવાનગી બાદ જ બાળકોને રસી આપવામાં આપવામાં આવશે. જેથી પોતાના સંતાનોને કોરોનાની સુરક્ષિત કરવા માટે વાલીઓએ આગળ આવવું પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવામાં આવશે. આ ઉપરાંત 10મી જાન્યુઆરીથી કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સને બુસ્ટર ડોઝ આપવામાં આવશે.