અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર તિવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના દક્ષિણ-પશ્વિમ દિશાએ સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં તેમજ ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં થયેલી હીમ વર્ષાને કારણે ગુજરાત ફરીવાર ઠંડીના મોજાનું લપેટાયું છે. આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં પવન ફૂંકાવાને લીધે ઠંડીનું જોર યથાવત રહેશે. જો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન સાથે તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી તા.25, 26 અને 27 એમ ત્રણ દિવસ તાપમાનનો પારો નીચે ઉતરશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાત ફરીવાર કડકડતી ઠંડીના મોજામાં સપડાયું છે. તિવ્ર ઠંડીને કારણે જનજીવન પર તેની અસર પડી રહી છે. ઠંડીની આગાહીને પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને પોતાના જિલ્લાની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, શાળાઓના સમયમાં ફેરફાર કરવા માટે સૂચના આપી હતી. જેના પગલે જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારીને સ્કૂલોની સવારની પાળીના સમયમાં ફેરફાર કરવા માટે સૂચના આપી હતી.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે. અને ત્યારબાદ 25મી જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં સહિત રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.0 ડિગ્રી ગગડીને 27.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 10.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલાં ઠંડા પવનો બપોર સુધી યથાવત રહેતાં બપોર સુધી શહેરમાં ઠંડીનો ચમકારો વર્તાયો હતો. પરંતુ, બપોર બાદ ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં ઘટાડો થયો હતો. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.જેમાં 5 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયો હતો. તેમજ દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં તમામ શહેરોનું લઘુતમ તાપમાન 15.0 ડિગ્રીથી નીચે નોંધાતા લોકોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. આગામી ત્રણ દિવસો દરમિયાન રાજ્યના તમામ શહેરોના લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે.