અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામો ઉપર દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. આ દર્શનાર્થીઓની સુવિધાને લઈને યાત્રાધામોમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. હવે આ યાત્રાધામો સોલાર વીજળીથી ઝગમગતા જોવા મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના મોટાભાગના યાત્રાધામોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે. સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 3 વર્ષમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 8 મુખ્ય યાત્રાધામ સહિત કુલ 349 સ્થળોએ સોલાર પેનલ સિસ્ટમ મુકવામાં આવી છે. જેથી રૂ. 300 કરોડની વીજળીની બચત થવાનો અંદાજ છે.
ધાર્મિક સ્થળોએ 3 889 કિલોવોટ વીજળી ક્ષમતા સાતે વીજ ઉત્પાદન થશે. વર્ષ 2018 થી 2021 સુધીમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 283.86 લાખના ખર્ચ કરીને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા સૌર ઉર્જા અને પવન ઉર્જાનું ઉત્પાદન વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી છે. એટલું જ નહીં લોકો પોતાના ઘર ઉપર સોલર પેનાલ લગાવીને વીજળીનું ઉત્પાદન કરે તે માટે પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે.