Site icon Revoi.in

ગુજરાતઃ તમામ ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે ખોલવાની અપાઈ મંજૂરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરો ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં હતા. તેમજ પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જો કે, હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. જેથી હવે વેપાર-ધંધા શરૂ થઈ રહ્યાં છે. દરમિયાન સરકારે ધાર્મિક સ્થળોને કેટલીક મંજૂરી સાથે ખોલવાની મંજૂરી આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હવે કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા નિયંત્રણ હળવા કરવામાં આવ્યાં છે. રાતના 7 કલાક સુધી દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત જીમખાનાઓ પણ ખોલવાનો નિર્ણય લેવાયો છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. મંદિરમાં એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરાયું હતું.

અંબાજી મંદિરના સંચાલક ટ્રસ્ટે પણ મંદિર 12 જૂનથી ખુલ્લુ મકવામાં આવશે તેવું જણાવ્યું છે તેમજ શ્રદ્ધાળુંઓ માટે સવારે 7.30થી 10.45 સુધી મંદિર ખુલ્લું મકવામાં આવશે તેમજ સાંજે 7થી 9 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. જો કે અતિથી ગૃહમાં ભોજન શાળા બંધ રાખવામાં આવશે. દરમિયાન કચ્છમાં માતાનો મઢ પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. 11 જૂનથી મંદિરના સંચાલકોએ માતાનો મઢ ભક્તો માટે ખુલ્લો મુકવાનો નિર્ણય કર્યો છે.  વિશ્વ પ્રસિદ્ધ સાળગપુર મંદીરના દ્વાર પણ ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવનાર છે સાળંગપુર મંદિરમાં ભક્તો હવે 11 જૂનથી દર્શન કરી શકશે.

સોમનાથ મંદિરના દ્વાર પણ ભાવિકો માટે ખોલવામાં આવનાર છે મંદિર સંચાલકો અને ટ્રસ્ટે નવી ગાઈડલાઈન સાથે અને કોરોના નિયમો પ્રમાણે દ્વારા ખુલ્લા મુકવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે 11 જૂનથી ભગવાન સોમનાથના મંદિરના દ્વાર પણ ખુ્લ્લા મુકવામાં આવશે. મંદિરનો સમય સવારે 7.30 થી રાત્રિના 8 વાગ્યા સુધી રહેશે તેમજ તમામ ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગાઇડ લાઇનનુ ચુસ્ત પાલન કરવાનું રહેશે જોકે મંદિર પરિસરમાં સવાર, બપોર, સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. મંદિરમાં દર્શન માટે ભાવિકોએ ઓન લાઇન કે ઓફ લાઇન પાસ મેળવવા રહેશે.