ગુજરાતઃ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને ઈન્ટરનેટની સુવિધા માટે ગ્રાન્ટની ફાળવણી
અમદાવાદઃ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. વિવિદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોમ્યુટરનું જ્ઞાન મળી રહે તે માટે કોમ્પુટર લેબની સુવિધાઓ ઉભી કરાઈ છે. તેમજ ઈન્ટરનેટ સુવિધા પુરી પડવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની 6 હજાર 880 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા માટે ગ્રાન્ટની ફાળવણી માટેના આદેશ આપી દીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં નવેમ્બર-2021 થી માર્ચ-2022 સુધીની ઈન્ટરનેટ સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવાના આદેશ કરવામાં આવ્યા છે. તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવા માટે વર્ષ 2019-20થી BSNLને કામગીરી સોપવામાં આવી હતી, જેનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર- 2021માં પૂર્ણ થાય છે. ત્યારે આગામી દિવસોમાં પણ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા યથાવત રહે તે માટે હવે નવેમ્બર-2021થી માર્ચ-2022 સુધી 5 મહિના માટે દર મહિને 500 રૂપિયા લેખે 2500 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.