અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં મેડિકલ કૉલેજ સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 40 મેડિકલ કૉલેજમાં MBBS U.G. ની 6950 અને P.G. ની 2650 જેટલી મેડિકલ બેઠક ઉપલ્બધ છે. વર્ષ 2027 સુધીમાં PPP મોડલ પર 10 નવીન મેડિકલ કૉલેજમાં અંદાજિત 1500 જેટલી યુ.જી.ની વધું બેઠકો ઉપલબ્ધ બનશે. આમ રાજ્યમાં MBBS U.G. ની અંદાજીત 8500 જેટલી બેઠકો અને પી.જી. તબીબોની 5000 જેટલી બેઠકો ઉપલબ્ધ બનશે.
વિધાનસભામાં મેડિકલ કૉલેજના બાંધકામની ગુણવત્તા સંદર્ભે પુછાયેલ પ્રશ્નમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની પ્રત્યેક આરોગ્ય સંસ્થાના બાંધકામ NABH ના માપદંડો પ્રમાણે જ કરવામાં આવી રહ્યાં છે. જેની પારદર્શક ચકાસણી માટે PMC (Project Management Committee)ની નિમણૂંક કરાઇ છે. રાજ્યના કુલ-33 જિલ્લાઓ પૈકી કુલ-25 જિલ્લાઓમાં મેડિકલ કોલેજો કાર્યરત છે, બાકી રહેતા 08 જિલ્લાઓ બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહિસાગર, છોટાઉદેપુર, તાપી અને ડાંગ ખાતે મેડિકલ કોલેજ સત્વરે બનાવવાનું આગામી આયોજન છે. તાપી ખાતે રાજય સરકારની આરોગ્ય નીતિ-2016 અંતર્ગત બ્રાઉન ફીલ્ડમાં મેડિકલ કોલેજ બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે. આમ રાજ્યના તમામ જિલ્લાઓમાં દર્દીઓને અઘતન અને શ્રેષ્ઠત્તમ તબીબી સારવાર મળી રહે તથા રાજ્યના તેજસ્વી વિધાર્થીઓને પોતાના જિલ્લાઓમાં તબીબી શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
NMC પ્રતિ કોલેજને 150 બેઠકની મંજુરી આપતું હોય છે. જેને ધ્યાને લેતાં 10 જિલ્લામાં 1500 બેઠકોનો વધારો આવનારા સમયમાં થવાની સંભાવના છે. આદિવાસી વિસ્તારમાં મેડિકલ સેવાઓ સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના આદિવાસીઓ બંધુઓને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા-સુવિધાઓ ઉપલ્બધ કરાવવા સરકાર કટિબદ્ધ છે. વ્યારા જિલ્લાના સંદર્ભમાં તેમણે ઉમેર્યુ હતું કે, તાપી જિલ્લાની વ્યારા જનરલ હોસ્પિટલને બ્રાઉન મેડિકલ હોસ્પિટલમાં PPP ઘોરણે પરિવર્તિત કરીને આદિવાસી બંધુઓને પણ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ ઘર આંગણે ઉપલ્બધ કરાવવાનું રાજ્ય સરકારનુ જનહિતલક્ષી આયોજન છે. આ બ્રાઉનફિલ્ડ હોસ્પિટલમાં પરિવર્તિત થયા બાદ હોસ્પિટલમાં 300 બેડ સુધી દાખલ દર્દીઓને હંમેશા સંપૂર્ણપણે નિ:શુલ્ક સારવાર, સેવા અને સર્જરી ઉપલબ્ધ કરાવવામાં આવશે.