અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી છે તેમજ હાલ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુવા નેતા જીગ્નેશ મેવાણી પણ રાજ્યભરમાં પ્રચાર કરશે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સોનિય ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, દિગ્વિજયસિંહ, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, રઘુ શર્મા, છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના આગેવાનો પણ પ્રચાર-પ્રસાર કરશે.
ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થવાની જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ આશા વ્યક્ત કરી છે. 25 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસનો 182 બેઠકો પૈકી 75થી વધારે બેઠકો ઉપર વિજય થયો હતો. આ વર્ષે બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યાં છે.