અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ દ્વારા અગાઉ જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસમાં નેતાઓ અને કાર્યકરો તૂટવાની ઘટના યથાવત રહી છે. તમામ પડકારો વચ્ચે હવે કોંગ્રેસે તમામ નેતાઓ અને કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરી છે. એઆઈસીસીએ નેતાઓ-કાર્યકરોને આંદોલનાત્મક કાર્યક્રમો મારફતે પ્રજાની સમસ્યાઓને વાચા આપવા અને સરકારની વિવિધ યોજનાઓની નકારાત્મક અસરો પ્રજા સુધી પહોંચાડવા તાકીદ કરવામાં આવી છે. સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલે આ સુચના આપી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી હોવાથી ત્રિપાંખીયો જંગ ખેલાવાની શકયતા છે. આપના આગમનથી કોંગ્રેસને ભારે નુકશાન થવાની અટકળો ચાલી રહી છે. દરમિયાન 25 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે આ ચૂંટણીમાં ભાજપના કાંકરા ખેરવવા અને આમ આદમી પાર્ટીને પરાસ્ત કરવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ આગાણી દિવસોમાં ઉમેદવારોની પસંદગીને લઈને કામગીરી કરવામાં આવશે.
ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ લઈને નીકળેલા કોંગ્રેસે અંતિમ સમયે ઉમેદવાર જાહેર કરવાની પરંપરામાં બદલાવ લાવતા ઉમેદવાર જલ્દી જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર બનવા માંગતા કાર્યકરો પાસેથી 12 સપ્ટેમ્બરથી બાયોડેટા મંગાવવાની શરૂઆત થશે. તેમજ 21 થી 23 સપ્ટેમ્બરે સ્ક્રુટીની માટે પુનઃ સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળશે. કોંગ્રેસે ઉમેદવારોને લઈ અગાઉ જ જાહેરાત કરી હતી કે તેઓ પ્રથમ યાદી વહેલી જાહેર કરશે.
(Photo-File)