ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે પ્રચાર-પ્રસાર માટે ઘડી ખાસ રણનીતિ, ગાંધી પરિવાર હાલ પ્રચારથી દૂર
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણીપંચ દ્વારા આગામી દિવસોમાં જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળે તેવી શકયતા છે. દરમિયાન કોંગ્રેસ પ્રચારમાં નવી રણનીતિ અપનાવી છે, જેના પરિણામ સ્વરૂપે હજુ સુધી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પ્રવાસને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેમના પ્રવાસની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી ગાંધી પરિવાર અને પીએમ મોદી તેમજ ભાજપ-કોંગ્રેસના મુદ્દો મહત્વનો ન બને તે માટે 25 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ દ્વારા સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી અને 2017ની ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર આપનાર કોંગ્રેસના મોટા નેતાઓ જેમ કે ગાંધી પરિવારે ગુજરાતથી હાલ અંતર જાળવી રાખ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હજુ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો નથી. કેટલાક લોકો આનાથી આશ્ચર્યચકિત છે તો કેટલાક રાજકીય નિષ્ણાતો આને ખાસ રણનીતિ તરીકે જોઈ રહ્યા છે.
કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે, જેને સમગ્ર દેશમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વખતે રાહુલ ગાંધી ગત ચૂંટણીની જેમ સક્રિય નહીં રહે. જ્યારે મતદાન નજીક આવશે ત્યારે તેઓ તેમની રેલીઓ યોજવાનું કોંગ્રેસ વિચારી શકે છે. પરંતુ અત્યારે કોઈ શેડ્યુલ નક્કી નથી કરાયું.
પાર્ટીના સૂત્રોનું માનીએ તો ગાંધી પરિવાર ગુજરાતથી દૂર રહેવા પાછળ ખાસ વ્યૂહરચના છે. મુખ્ય વિપક્ષી દળ આ ચૂંટણીને ‘મોદી વિરુદ્ધ કોંગ્રેસ’ અથવા ‘મોદી વિરુદ્ધ ગાંધી પરિવાર’ બનવાથી રોકવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉની ચૂંટણીઓમાં ગાંધી પરિવારે કરેલા આક્ષેપોને મુદ્દો બનાવીને નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ઘેરી હતી. કોંગ્રેસે ભૂતકાળમાં મૌત કા સૌદાગર, વિકાસ ગાંડો થયો છે અને ચોકીદાર ચોર છે જેવા નારાઓથી કોંગ્રેસને જ નુકશાન થયું હતું. રાજકીય નિષ્ણાતોનું માનીએ તો પીએમ મોદી ગાંધી પરિવારની મદદથી ચૂંટણીને ‘રાષ્ટ્રીય’ સ્વરૂપ આપવામાં સફળ રહ્યા છે અને આવી સ્થિતિમાં સ્થાનિક મુદ્દાઓ ગૌણ બની જાય છે.
ગાંધી પરિવારના સભ્યોએ ગુજરાતમાં રેલી-પ્રચાર કર્યો નથી, પરંતુ દિલ્હીથી બેઠા-બેઠા પ્રચાર-પ્રસાર ઉપર નજર રાખીમાં આવી રહી છે. જુલાઈમાં જ પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં ગુજરાતના નેતાઓ સાથે મંથન કર્યું હતું અને ખાસ રણનીતિ બનાવી હતી. વચગાળાના પ્રમુખ તરીકે, સોનિયા ગાંધીએ એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી, જેમાં પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ ત્યાં વરિષ્ઠ નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે, જેમના નેતૃત્વમાં પાર્ટીએ પાંચ વર્ષ પહેલા સારું પ્રદર્શન કર્યું હતું.
ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સામેની “સત્તા વિરોધી લહેર” ને કેશ કરવા માટે કોંગ્રેસ સ્થાનિક નેતૃત્વ પર આધાર રાખે છે. પાર્ટીનું માનવું છે કે મોદી પછી ગુજરાતમાં ભાજપનું નેતૃત્વ નબળું પડી ગયું છે અને સ્થાનિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવી જોઈએ. પાર્ટી ભલે મોટી રેલીઓ ટાળી રહી હોય, પરંતુ નાના મેળાવડા દ્વારા મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. પીએમ મોદીએ કોંગ્રેસની આ રણનીતિ અંગે પોતાના કાર્યકરોને ચેતવ્યાં હતા.
(ફોટો-ફાઈલ)