ગુજરાત વિધાનસભાની ચૂંટણી: લોકસભાની 26 બેઠકો માટે કોંગ્રેસે નિમ્યા ઓબ્ઝર્વેર
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે આ વખતે ફરી સત્તા હાંસલ કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા તાત્કાલીક અસરથી ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ઓબ્ઝર્વરની નિમણુંક કરી છે. ઓબ્ઝર્વરો આગામી દિવસોમાં જે-તે લોકસભા વિસ્તારમાં પ્રવાસ કરશે અને લોકસભાની બેઠક હેઠળ આવતી વિધાનસભાની બેઠકોમાં પક્ષની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે કચ્છની લોકસભા બેઠક પર શાલે મહમદ, ઇન્દ્રરાજસિંહ ગુર્જર, બનાસકાંઠા લોકસભા બેઠક પર અશોક ચંદના, પાટણ લોકસભા બેઠક પર રામલાલ જાટ, મહેસાણા લોકસભા બેઠક પર ઉદયલાલ અંજના, સાંબરકાંઠા બેઠક માટે જયસિંગ અગ્રવાલ અને સુરેશ મોદી, અમદાવાદ પૂર્વ બેઠક પરમસાંઇ સિંગ ટેકમ અને હકમ અલી ખાન, અમદાવાદ વેસ્ટ લોકસભા બેઠક પર ધર્મેન્દ્ર રાઠોડ અને અમીન કાજી, રાજકોટ લોકસભા બેઠક પર પ્રમોદ જૈન ભાયા અને પાનાચંદ મેઘવાલ, જામનગર લોકસભા બેઠક પર રાજેન્દ્રસિંહ યાદવ અને જગદીશ ચંદ્રા, જૂનાગઢ લોકસભા બેઠક પર ડો.કરણસિંહ યાદવ અને મહેન્દ્ર ગેહલોત, ભાવનગર લોકસભા બેઠક પર ભાણવરસિંહ ભાટીની ઓબ્ઝર્વેર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આમ લોકસભાની તમામ 26 બેઠકો ઉપર ઓબ્ઝરવર્સની નિમણુંક કરવામાં આવી છે. એટલું જ નહીં તાજેતરમાં જ દિલ્હી હાઈકમાન્ડે કોંગ્રેસના નેતા અને કાર્યકરોને નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના પ્રચાર કરવા પણ તાકીદ કરી હતી. નેતાઓ અને કાર્યકરોને સરકારની નીતિઓ સહિતના મુદ્દા ઉપર પ્રચાર કરવા સૂચના આપવામાં આવી છે.