નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ફેબ્રુઆરી 2023માં મુદ્દત પૂર્ણ થઈ રહી છે, એટલે ચૂંટણી મોડી નહીં પરંતુ વહેલી જાહેર કરવામાં આવી હોવાનો દાવો કેન્દ્રીય ચૂંટણીપંચે દાવો કર્યો હતો. તાજેતરમાં હિમાચલપ્રદેશની ચૂંટણીની સાથે જ ગુજરાતની સાથે ચૂંટણી નહીં જાહેર કરવા બાબતે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેથી કેન્દ્રીય ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી હતી.
મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરતા પૂર્વે અનેક પરિબળોને ધ્યાને લેવાના હોય છે. ખાસ કરીને હવામાન, વિધાનસભાની મુદત ક્યારે પૂર્ણ થાય છે તે પણ જોવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી મોડી જાહેર કરવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી જાહેર કર્યાના દિવસથી ગુજરાત વિધાનસભાની મુદત પૂર્ણ થવામાં 110 દિવસ બાકી રહે છે. આ ઉપરાંત જો મતગણતરીના દિવસથી વર્તમાન ગુજરાત વિધાનસભાની મુદત જોઈએ તો, 72 દિવસ બાકી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. 8મી ડિસેમ્બરના રોજ જ હિમાચલ પ્રદેશની ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે.