Site icon Revoi.in

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસની પ્રથમ યાદીમાં યુવા ચહેરાઓની પસંદગી ઉપર કળશ ઢોળાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયાં બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન મોડી રાતે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક ઉપર કોંગ્રેસે સિનિયર મહિલા નેતા અમીબેન યાજ્ઞિકને મદાનમાં ઉતાર્યાં છે. ભાજપ આ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જ ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શકયતા છે.

કોંગ્રેસે પોરબંદરની બેઠક ઉપરથી ફરી એકવાર સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાની પસંદગી કરી છે. આ ઉપરાંત મહુવા બેઠક ઉપર કનુભાઈ કળસરિયા, ગાંધીધામ બેઠક ભરત સોલંકી, સયાજીગંજ બેઠક ઉપર અમીબેન રાવત, ખેરાલુ બેઠક ઉપર મુકેશ દેસાઈ, હિંમતનગર બેઠક ઉપરથી કમલેશ પટેલ, અંજારથી રમેશ ડાંગર, ગાંધીનગર દક્ષિણમાં હિમાંશુ પટેલ, અમદાવાદની અમરાઈવાડી બેઠક ઉપર ધર્મેન્દ્ર પટેલ, અમદાવાદની એલિસપ્રેજ બેઠક ઉપર ભિખુભાઈ દવે, રાવપુરથી સંજય પટેલ, રાજકોટ દક્ષિણથી હિતેશ વોરા, રાજકોટ ગ્રામ્ય બેઠક ઉપર સુરેશ બછવાર, કતારગામમાં કલ્પેશ વરિયા, ઓલપાડ બેઠક ઉપર દર્શન નાયક, જસદણ બેઠક ઉપર ભોળાભાઈ ગોહિર, જામનગર બેઠક ઉપર બિપેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલ તોગડિયાને વરાઠા બેઠક, કામરેજ બેઠક ઉપર નિલેશ કુંભાણી સહિતના નેતાઓની પસંદગી કરવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા અન્ય બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગીને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં અન્ય બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પ્રચાર-પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના ચાર સિનિયર નેતાઓએ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની કરાયેલા જાહેરાતમાં મોટાભાગના નવા ચહેરા છે અને યુવા નેતાઓની પસંદગી ઉપર વધારે જોર આપવામાં આવ્યું છે.