Site icon Revoi.in

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના પ્રચાર કરવા કોંગ્રેસના નેતાઓને હાઈકમાન્ડની તાકીદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી ઉપર કરા પ્રહાર નહીં કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે નેતા-કાર્યકરોને સૂચના આપી છે. અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ સીધો નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા હતા. જેથી જે તે ચૂંટણી ભાજપ-કોંગ્રેસને બદલે કોંગ્રેસ અને નરેન્દ્ર મોદી વચ્ચેની થઈ જતી હતી. કોંગ્રેસના નરેન્દ્ર મોદી ઉપર કરવામાં આવતા પ્રહારનો સીધો ફાયદો ભાજપને થતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેમજ તમામ 182 બેઠકો ઉપર જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપને સત્તાથી દૂર કરવા માટે રણનીતિ ઘડી છે. કોંગ્રેસે હવે હકારાત્મક અભિગમ સાથે ચૂંટણી મેદાને ઉતરવા નક્કી કર્યુ છે.

દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકમાં હાઇકમાન્ડે સ્પષ્ટ નિર્દશ આપ્યા છે કે, ભાજપની ટીકા કરો, સરકારની નીતિ અંગે આક્ષેપ કરો પણ નરેન્દ્ર મોદીનું નામ લેવું નહીં. એમની સામે આક્ષેપ કે ટીકા ન કરશો કેમ કે એમ કરવાથી ભાજપને જ ફાયદો થાય છે. વિધાનસભાની ચૂંટણી મોદી વિરુદ્ધ કોંગ્રેસની લડાઇ બનવા દેવાશે નહીં. દિલ્હીમાં પ્રિયંકા ગાંધીની ઉપસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે એક બેઠક મળી હતી. નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ટીકા ટિપ્પણી કરવી નહી કેમકે, વર્ષ 2007માં પણ કોંગ્રેસે મોદીને મોત કા સોદાગર કહીને નવાજ્યા હતાં. જેના કારણે કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો.

(PHOTO-FILE)