અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. દરમિયાન પાટીદાર, કોળી પટેલ, ઠાકોર સહિતના સમાજોમાંથી એવી લાગણી ઊભી થઈ છે કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં પોતાના સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવો જોઈએ, હાલ દરેક પક્ષ ચૂંટણી જીતવાની તૈયારીમાં લાગી ગયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આ ચૂંટણી લડાશે કે નહિ તે બાબતની અટકળો ચાલી રહી હતી. એવી પણ અફવાઓ હતી કે આ વખતે ભાજપ ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે કોઈ નવો ચહેરો પણ સામે લાવી શકે છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટિલે એવી સ્પસ્ટતા કરી દીધી છે, કે ભાજપ વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડશે.
વિજય રૂપાણીનાં નેતૃત્વમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડાશે કે નહિ તે અટકળો પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મોહર લગાવી દીધી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે આ વાત પર નિવેદન આપતા કહ્યું હતું કે, વિજય રૂપાણીનાં નેતૃત્વ પરિવર્તનની વાતો ફક્ત અફવાઓ છે. ભાજપ વિજય રૂપાણીનાં નેતૃત્વમાં જ 2022ની વિધાનસભા ચૂંટણી લડશે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સી.આર.પાટીલે આ બાબતની સ્પષ્ટપણે જાહેરાત કરી છે. હવે વિજય રૂપાણીના નેતૃત્વમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડાશે તે વાત પાક્કી થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી ચાલતી અટકળોનો અંત આખરે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના નિવેદનથી આવી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે એટલે કે 2022ની વિદાનસભાની ચૂંટણી બાદ ભાજપ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને જ પ્રોજેક્ટ કરવા માગે છે. કારણ કે પાટીદાર સહિત તમામ સમાજોમાંથી મુખ્યમંત્રી પોતાના સમાજમાંથી બનવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ભાજપ કોઈ સમાજને નારાજ કરવા માગતો નથી. કોઈ એક સમાજમાંથી મુખ્યમંત્રીની પસંદગી કરવાથી અન્ય સમાજ નારાજ થાય તેમ છે, તે ભાજપને પરવડી શકે તેમ નથી અટલે રૂપાણીને જ રિપિટ કરવામાં આવશે.