Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી નહીં પણ તેના નિયત સમયે જ યોજાશે : પાટીલ

Social Share

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજીબાજુ વહેલી ચૂંટણી યોજાવાની ચાલી રહેલી અટકળો વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ  સી.આર. પાટીલે જાહેરાત કરી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં તેના નિયત સમયે જ યોજાશે. પાટીલના નિવેદનના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે 17 નવેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 4.30 સુધી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. કાર્યકારિણીની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,  ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી નિયત સમયે એટલે કે 2022ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે. આ માટે જે-તે રાજ્યના મુખ્યમંત્રીએ વિસ્તારપૂર્વકનો એક અહેવાલ વડાપ્રધાન મોદીને રજૂ કર્યો હતો. જેને ધ્યાને લઈને વડાપ્રધાન મોદીએ ચૂંટણીલક્ષી સૂચન આપ્યા છે. જો કે ગુજરાતની ચૂંટણી આ રાજ્યો સાથે યોજવાની કોઈ વિચારણા નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં તેના નિયત સમયે જ યોજાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 7 નવેમ્બરે રાષ્ટ્રીય અધ્યક્ષ  જગતપ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાજપ તરફથી જુદા જુદા રાજ્યોમાં ચૂંટણી જીતી એ અંગે ચર્ચા વિચારણા થઈ હતી. પાટીલે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યુ છે.