ગુજરાત વિધાનસભાઃ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થવાની શકયતા
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થવાની શકયતા છે.NCP અધ્યક્ષ જયંત બોસ્કી અને રઘુ શર્મા વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ અંગે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.
NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, ‘ગઇ વખતની ચૂંટણી બંને પક્ષો માટે ઘણી દુર્ભાગ્યપૂર્ણ હતી કે અમે ગઠબંધન ના કરી શક્યા. જેમાં બંનેની મજબૂરી હતી કે પછી ગેરસમજૂતી હતી કે પછી શું હતું એ ખબર નહીં. પરંતુ આ વખતે બંને પક્ષો પોઝિટિવ જઇ રહ્યાં છે. અમે નોમિનલ સીટો માંગી છે. 4થી 5 સીટો માટે જ અમે દાવો કર્યો છે. કોંગ્રેસ પક્ષ પણ એમાં સહમત થયો છે. અશોક ગેહલોત સાથે બેઠક કરીને અમે ગઠબંધનની જાહેરાત કરાશે. NCPએ કુતિયાણાથી કાંધલ જાડેજા અને ગોંડલથી રેશ્મા પટેલ માટે ટિકિટ માંગી છે. જ્યારે ઉમરેઠથી પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી માટે તથા નરોડાથી કોર્પોરેટર નિકુલસિંહ તોમર માટે ટિકિટની માંગ કરવામાં આવી છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપી ધારાસભ્યએ ભાજપના ઉમેદવાર તરફી મતદાન કર્યું હતું. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો.