અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇ-ઉપસ્થિતીમાં કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સુદ્રઢ આયોજન, ધૈર્યતાથી સરકાર સાથે દેશ આખાએ કોરોના સંક્રમણ સામે સફળ લડાઇ લડીને દુનિયાને ઉદાહરણ પુરૂં પાડયું છે.
આ સંદર્ભમાં ગૃહ મંત્રીએ કહ્યું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી દુનિયા આખી કોરોના સામે સંઘર્ષ કરે છે. કુદરતે ભારતની વિશેષ કસોટી આ સમયમાં બે-બે વાવાઝોડાથી કરી છે. આમ છતાં, આ સંઘર્ષ સામે નેતૃત્વ શક્તિ, સેવા સંગઠનો અને જનસહયોગથી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણે સફળ થયા છીયે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજ્યમાં તિલકવાડા, સાગબારા, દસક્રોઇ, સોલા, કપડવંજ, કાલાવાડ, પોરબંદર, મહેસાણા અને ભાણવડમાં સ્થપાયેલા કુલ-૯ ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યા હતા.
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં ર૯ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી કોરોનાની આ બીજી લહેરમાં જન સેવાનું ઉમદા કાર્ય થયું છે એમ પણ અમિતભાઇ એ ઉમેર્યુ હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ એમ કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન એ સૌથી મોટી ચૂનૌતી આપણા માટે હતી. ઓક્સિજનની રોજિંદી જરૂરિયાત ૧ હજાર ટનથી વધીને ૧૦ હજાર મે.ટન થઇ ગઇ હતી. આ ચેલેન્જને સ્વીકારી લઇને રાજ્યોએ પણ સહયોગ આપ્યો, કાયોજેનિક ટેન્કર લગાવીને સરકારે ટ્રેન દ્વારા ઓક્સિજન દેશના રાજ્યોમાં મોકલ્યો અને ઓક્સિજનની ઘટ પડવા દીધી નથી.
અમિત શાહે ઉમેર્યુ કે, હવે આપણા સહિયારા પ્રયાસો, તબીબો, પેરામેડિકલ, વોરિયર્સ સૌના અવિરત યોગદાનથી કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ લાવી શકાયું અને ઓક્સિજનની માંગ રોજના ૩પ૦૦ મે.ટન પર આવી ગઇ છે.