- ગૃહમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને ટીમને આપ્યા અભિનંદન,
- ભોપાલ નજીક એક ફેકટરીમાં ગુજરાત ATS અને NCB રેડ પાડી હતી,
- બે શખસોની કરી ધરપકડ
અમદાવાદઃ એમપીમાં ભોપાલ નજીક આવેલી એક ફેકટરીમાં ગુજરાત એટીએસ અને નારકોટિસ કન્ટ્રોલ બ્યુરો (દિલ્હી)એ સંયુક્ત રેડ પાડીને 1814 કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસને સુરતમાં ડ્રગ્સનું રેકેટ પકડ્યા બાદ મળેલી બાતમીને આધારે ભોપાલ નજીક ફેટકરી પર રેડ પાડવામાં આવી હતી.
ગુજરાત ATS અને NCB (દિલ્હી)એ ભોપાલની એક ફેક્ટરીમાં રેડ કરીને 1814 કરોડનું એમડી ડ્રગ્સ અને તેને બનાવવાનું મટરિયિલ ઝડપી પાડ્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી માહિતી આપી છે. સંઘવીએ X પર લખ્યું છે કે, આ કાર્યવાહી બતાવે છે કે, એજન્સી ડ્રગ્સની હેરાફેરી સામે કડક હાથે કામ કરી રહી છે. આ સામૂહિક પ્રયાસો સમાજ અને આરોગ્યની સુરક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આપણી એજન્સીની આ પ્રશંસનીય કામગીરી છે અને દેશને સલામત અને આરોગ્યપ્રદ રાખવાના તેના મિશનને સાથ આપવાનું ચાલુ રાખીએ.
સૂત્રોના જણાવ્યા મુજબ બે મહિના પહેલા ગુજરાત ATS દ્વારા સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, જેમાં ઝડપાયેલા ત્રણ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સ કાર્ટેલમાં મુંબઈમાં ચિંચબંદર વિસ્તારમાં રહેતા મોહંમદ યુનુસ તથા મોહંમદ આદિલ પણ સંડોવાયેલા છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના એક ફ્લેટમાં મેફેડ્રોન (MD) બનાવી વેચાણ કરે છે, જેના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા ફ્લેટમાં દરોડા પાડી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ફ્લેટમાં મેફેડ્રોન (MD) બનાવવા માટેની પ્રોસેસ ચાલુમાં હતી. 11 કિલો સેમી-લિક્વિડ મેફેડ્રોન (MD) તથા બેરલોમાં ભરેલા 782 કિ.ગ્રા. લિક્વિડ મેફેડ્રોન (MD) મળ્યું હતું.
ગુજરાત ATSની ટીમ દ્વારા ઝડપેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 800 કરોડની થતી હતી. આ MD બનાવવા ઉપયોગમાં લીધેલા ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટસ મળ્યાં હતાં, જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ATSની ટીમે મોહંમદ યુનુસ ઉર્ફે એજાઝ સ.ઓ. મોહંમદ તાહીર શેખ (ઉં.વ.41, રહે. સુકેના મંઝિલ, ચિંચબંદર પોસ્ટ ઓફિસ પાસે, ડોંગરી, મુંબઇ) અને મોહંમદ આદિલ સ.ઓ. મોહંમદ તાહીર શેખ (ઉં.વ 34, રહે. સુકેના મંઝિલ, ચિંચબંદર પોસ્ટ ઓફિસ પાસે, ડોંગરી, મુંબઇ)ની ધરપકડ કરી હતી.