Site icon Revoi.in

ગુજરાત ATSએ દિલ્હીથી અફઘાનિસ્તાનના ડ્રગ સ્મગલરની ધરપકડ કરી

Social Share

અમદાવાદઃ ગુજરાતની ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. આતંકવાદ વિરોધી ટુકડીએ દિલ્હીમાંથી એક અફઘાન નાગરિકની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસના ડીઆઈજી સુનીલ જોશીએ શુક્રવારે આ માહિતી આપતાં કહ્યુ હતુ કે દિલ્હીમાં એક વ્યક્તિ દ્વારા ડ્રગ્સ સપ્લાય કરવાની માહિતી ક્રાઈમ બ્રાંચના ડીસીપી  બીપી રોઝીયાને મળી હતી જેમને તે માહિતી ગુજરાત એટીએસને આપી હતી. આ પછી અધિકારીઓની ટીમે દિલ્હીમાં દરોડા પાડ્યા હતા, જેમાં એક અફઘાન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીનુ નામ મોહમ્મદ યાસીન છે તેની ઉંમર 27 વર્ષની છેતે ગ્રેટર નોઈડાના સેક્ટર-3 સ્થિત તેના ઘરેથી પકડાયો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 460 ગ્રામ ગેરકાયદે હેરોઈન મળી આવ્યું હતું.

યાસીન મૂળ અફઘાનિસ્તાનના જલાલાબાદનો છે. તે 2017માં મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો. તે દિલ્હીમાં તબીબી સારવાર માટે આવતા અફઘાન નાગરિકો માટે અનુવાદક તરીકે કામ કરતો હતો. તેના વિઝાની મુદત બે વર્ષ પહેલા પૂરી થઈ ગઈ હતી. તેણે UNHCR શરણાર્થી કાર્ડ માટે અરજી કરી હતી.યાસીને પૂછપરછ દરમિયાન ઘણા ખુલાસા કર્યા છે. તેણે લગભગ 8-9 મહિના પહેલા દિલ્હીના તિલક નગર વિસ્તારમાં એક નાઈજિરિયન નાગરિક પાસેથી 4 કિલો હેરોઈન ખરીદ્યું હતું. યાસીને તેમાંથી મોટા ભાગનો જથ્થો નાના નાના પેકટમાં વેચ્યો હતો

સુનિલ જોશીએ જણાવ્યું હતું કે આ કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્ક સંકળાયેલુ છે  જેણે સપ્ટેમ્બર 2023માં ઓમાનથી ગુજરાતના વેરાવળ કિનારે બોટ દ્વારા હેરોઈનની કથિત રીતે દાણચોરી કરી હતી. આ સામાન દિલ્હીના તિલક નગર વિસ્તારમાં નાઈજિરિયન અથવા દક્ષિણ આફ્રિકાના નાગરિકને પહોંચાડવાનો હતો. વધુ તપાસમાં મની ટ્રેઇલ વિશ્લેષણ અને તકનીકી દેખરેખનો સમાવેશ થાય છે. આ મામલામાં નાઈજીરીયન અને અફઘાન નાગરિકો સહિત અનેક શકમંદોની ઓળખ કરવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા અન્ય શકમંદોને પકડવા એટીએસની તપાસ ચાલી રહી છે.