Site icon Revoi.in

મહાઠગ કિરણ પટેલના કૌભાંડોની વિગતો ગુજરાત ATSએ કેન્દ્રિય ગૃહ વિભાગને મોકલી

Social Share

અમદાવાદઃ મહાઠગ એવા કિરણ પટેલ સામે ગુજરાત એટીએસએ પણ તપાસ હાથ ધરી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ ઉપરાંત ગુજરાતમાં પણ સંખ્યાબંધ લોકોને મૂર્ખ બનાવનારા ઠગ કિરણ પટેલ ઉર્ફ બંસીની જાળમાં એનેક લોકો ફસાયા હોવાનું કહેવાય છે. અને તેના અમદાવાદના ઘોડાસર સ્થિત નિવાસસ્થાને  ગુજરાત એટીએસ અને જમ્મુ-કાશ્મીર પોલીસે બે વાર સર્ચ કરી સંખ્યાબંધ પુરાવા એકઠા કર્યા હતા. બીજી તરફ ગુજરાત એટીએસ દ્વારા કિરણ પટેલે ગુજરાતમાં આચરેલા કૌભાંડોનો વિગતવાર રિપોર્ટ ગૃહ વિભાગને મોકલાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કિરણ પટેલે વડાપ્રધાનના કાર્યાલય (પીએમઓ)ના અધિકારી તરીકેની ઓળખ આપીને જમ્મુ-કાશ્મીરમાં સ્ટેટ ગેસ્ટ બનીને z+ની સુરક્ષા સહિત સાહ્યબી ભોગવી હતી. આરોપીની જાળમાં ગુજરાતના પણ અનેક લોકો ફસાયા હોવાની ચર્ચા છે. અને જમ્મુ-કાશ્મીરની પોલીસ સાથે ગુજરાત એટીએસ પણ તપાસમાં જોતરાઈ છે. કહેવાય છે. કે, ગુજરાત એટીએસ દ્વારા કિરણ પટેલે ગુજરાતમાં આચરેલા કૌભાંડોનો વિગતવાર રિપોર્ટ ગૃહ વિભાગને મોકલી આપ્યો છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસે મણિનગર સ્થિત એક પ્રિન્ટિંગ પ્રેસના મહિલા સંચાલકની પૂછપરછ પણ કરી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી કિરણ પટેલની જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ બાદ હવે ગુજરાતમાં તેના કારસ્તાનોની તપાસ તેજ બની છે. એક તરફ કાશ્મીર પોલીસ ગુજરાતમાં જરૂરી પુરાવા અને સાક્ષીઓને શોધી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાત એટીએસ દ્વારા પણ વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને સરકારના ધ્યાન પર મૂક્યો છે. સૂત્રોનું કહેવું છે કે, ગૃહ વિભાગ આખા કેસની તપાસ ગુજરાત એટીએસને સોંપે તેવી શક્યતા છે. કિરણ પટેલે જે લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અથવા જેમને પી.એમ.ઓ.માં એડી. ડિરેક્ટરની ઓળખ આપી રૂઆબ બતાવ્યો છે તેવા સંખ્યાબંધ લોકોની ઓળખ પણ કરી લેવાઈ છે. સરકારનો આદેશ મળ્યા બાદ આવા લોકોને બોલાવી તેમની સાથે ઠગાઈ થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. ટૂંકમાં સરકારના આદેશ બાદ ઠગ કિરણ પટેલની મુશ્કેલીઓ વધશે. અગાઉ તેની સામે નોંધાયેલા ગુના અને તે જે કેસમાં જામીન પર હોય તે કેસમાં પણ તેના જામીન રદ્દ કરવા સુધીની પોલીસ કાર્યવાહી કરી શકે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડોદરામાં ગરબાના આયોજન બાદ ડેકોરેટર્સને રૂપિયા નહીં ચૂકવવાની ઠગ કિરણ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ડેકોરેટર્સ પારિતોષે કેટલાક ચેક મીડિયાને બતાવ્યાં હતા જે ઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલે આપ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે મણિનગર સ્થિત આકાંક્ષા પ્રિન્ટિંગ પ્રેસના મહિલા સંચાલકનું નિવેદન નોંધ્યું હતુ. જેમા તેમણે જણાવ્યું હતુ કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં કિરણ પટેલ તેમને ત્યાં પ્રધાનમંત્રી ઓફિસના નામે વિઝીટીંગ કાર્ડ છપાવવા આવ્યા હતા. જો કે, તેમણે સત્તાવાર લેટરપેડ વગર કાર્ડ છાપવાની ના પાડતા કિરણ પટેલે મહિલાને ધમકાવી પોતાને મિટિંગમાં જવાનું મોડું થતુ હોવાનું કહીને દસેક કાર્ડ છપાવ્યાં હતા. પોલીસે હાર્ડડિસ્ક અને બીજા કેટલાક ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા છે.