ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્ણરીતે સંપન્ન થઈ છે. રાજ્યના ચૂંટણી પંચે મોડી રાત્રે બહાર પાડેલા આંકડા મુજબ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર સરેરાશ 59.49 ટકા મતદાન થયું છે. જે ગત ચૂંટણી યાને કે વર્ષ 2019ની ચૂંટણીની સમખામણીએ 4.5 ટકા ઓછું મતદાન થયું છે. આ વખતે 59.49 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન વલસાડની બેઠક પર 72.24 ટકા અને સૌથી ઓછું મતદાન અમરેલીની બેઠક પર 49.22 ટકા થયુ છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીભરી ગણાતી બનાસકાંઠાની બેઠક પર 68.44 ટકા મતદાન થયું છે.
ચૂંટણીપંચની સત્તાવાર યાદી મુજબ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સરેરાશ 59.49 ટકા મતદાન થયું છે. જેમાં કચ્છમાં 55.05 ટકા, બનાસકાંઠામાં 68.44 ટકા, પાટણમાં 57.88 ટકા , મહેસાણા-59.04 ટકા, સાબરકાંઠા-63.04 ટકા, ગાંધીનગર- 59.19 ટકા, અમદાવાદ ઈસ્ટ-54.04 ટકા, અમદાવાદ વેસ્ટ-54.43 ટકા, સુરેન્દ્રનગર- 54.45 ટકા, રાજકોટ-59.60 ટકા, પોરબંદર- 51.79 ટકા, જામનગર – 57.17 ટકા, જુનાગઢ- 58.80 ટકા, અમરેલી- 49.22 ટકા, ભાવનગર- 52.01 ટકા, આણંદ- 63.96 ટકા, ખેડા- 57.43 ટકા, પંચમહાલ- 58.65 ટકા, દાહોદ- 58.66 ટકા, વડોદરા- 61.33 ટકા, છોટા ઉદેપુર- 67.78 ટકા, ભરૂચ- 68.75 ટકા, બારડોલી- 64.59 ટકા, નવસારી- 59.66 ટકા અને વલસાડમાં સોથી વધુ 72.24 ટકા મતદાન થયું છે.
મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં કુલ 49 ફરિયાદ મળી છે, જ્યારે ભાજપ દ્વારા 7 ફરિયાદ મળી છે અને 23 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં વાસણ ગામમાં ફરિયાદ મળી હતી કે, કોઈ મતદાર દ્વારા ઈવીએમ પર ફેવીકીક લગાડીને કામગીરી અવરોધવામાં આવી હતી અને એક બટન બંધ કરી દેવામાં આવતા દોઢ કલાક મતદાન બંધ રહ્યું હતું. પછી તે ચાલુ કરી દેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કંટ્રોલ રૂમ પર ઈવીએમ બાબતે 11 અને બોગસ વોટિંગની 18 ફરિયાદ મળી હતી. કુલ આજે 92 ફરિયાદ મળી હતી. ત્રણ ગામોમાં સંપૂર્ણ મતદાન બહિષ્કાર જોવા મળ્યો હતો. આદર્શ આચારસંહિતા બાબતે 21 ફરિયાદો દાખલ થઈ છે. ગાંધીનગર સેક્ટર 19ના સુવિધા કેન્દ્રમાં એજન્ટ પાસે ભાજપના નિશાન વાળી પેન હતી. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રીપોર્ટ મંગાવ્યો હતો. સિમ્બોલ વાળી પેન પોલિંગ માટે નહીં પરંતુ ભાજપના બૂથથી આગળ ટેબલ માટે આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો સંદર્ભે કોંગ્રેસની ફરિયાદને ચુંટણી પંચે નકારી દીધી હતી. પૂર્વ આયોજિત કોઈ જાતનો રોડ શો કરાયો નથી એટલે કોઈ ફરિયાદ રહેતી નથી. ભારે ગરમી વચ્ચે પોલિંગ સ્ટાફે ફરજ બજાવી છે. રાજુલામાં એક કર્મચારીનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. જ્યારે જાફરાબાદમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. છોટાઉદેપુરમાં એક પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.