અમદાવાદઃ ગુજરાતમાં આગામી 14મી માર્ચથી ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષામાં લગભગ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસવાના છે. પરીક્ષાની તૈયારીઓ લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે એટલું જ નહીં ગેરરીતિને અટકાવવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યાં છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતી કરનાર પકડાવનાર વિદ્યાર્થીઓ સામે પ્રતિબંધ સહિતના પગલા લેવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર બોર્ડની પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે પરીક્ષા ખંડમાં વર્ગ નિરીક્ષકો દ્વારા નજર રાખવામાં આવશે, એટલું જ નહીં ત્રીજી આંખ એટલે કે કમેરાથી પણ નજર રાખવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતા ઝડપાશે તો તેની ઉપર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે. ગેરરીતી કરનારા વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. આ ઉપરાંત પરીક્ષા ખંડમાં હથિયાર સહિતની સામગ્રી સાથે પકડાનાર વિદ્યાર્થીઓ સામે આજીવન પ્રતિબંધ ફરમાવવામાં આવશે. આવી જ રીતે વર્ગ ખંડમાં મોબાઈલ જેવા ગેઝેટ સાથે પકડાનારા પરીક્ષાર્થીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર 14મી માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને ધો-12ની વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડની આ પરીક્ષામાં 16 લાખ જેટલા વિદ્યાર્થો બેસશે. ધોરણ 10ની પરીક્ષા 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી ચાલશે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25મી માર્ચે પુરી થશે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.