અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. હાઈકોર્ટે આ પરિસ્થિતિમાં સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ્ર અને અંતિમવિધી સિવાયના તમામ મેળાવડા ઉપર પ્રતિબંધ મુકવા માટે હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. લગ્ન પ્રસંગમાં 100ને બદલે માત્ર 50 લોકોને મંજૂરી આપવા તાકીદ કરી છે. રાજ્યની વડી અદાલતે રેમડેસિવિર ઈન્જેક્શનથી લઈને રાત્રિ કર્ફ્યૂ મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે તેમજ રાજ્ય પાસે એક્શન પ્લાનનો રિપોર્ટ માંગ્યો છે.
કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોનાની વણસેલી પરિસ્થિતિ મુદ્દે હાઈકોર્ટે સુઓમોટો પીટિશન દાખલ કરી છે. આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે કોરોના ટેસ્ટીંગ, દર્દીઓની સારવાર અને રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. હાઈકોર્ટે કોરોનાની રસીના બે ડોઝ લીધા પછી પણ લોકોના મોત થતા હોવા અંગે ચિંતા વ્યક્ત કરીને લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા નિર્દેશ કર્યો છે. તેમજ નોંધ્યું છે કે, રાજ્યમાં રસીકરણ થઈ રહ્યું છે તે ફાયદાકારક છે પરંતુ પ્રજાએ નિયમોનું પાલન કરવું જોઈએ.
હાઈકોર્ટે રાજ્ય સરકારને લગ્નપ્રસંગ અને અંતિમ વિધી સિવાયના તમામ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ મુકવા નિર્દેશ કર્યો છે. સોસાયટીઓમાં નાની મીટીંગ પણ ના થવી જોઈએ. નોકરી-ધંધાના સ્થળો ઉપર કોવિડ ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ અને રસ્તા ઉપર લોકોની ભીડ ના થવી જોઈએ તેવું પણ અવલોકન કર્યું હતું. લગ્ન પ્રસંગ્રમાં 100ને બદલે 50 વ્યક્તિઓને મંજૂરી આપવી જોઈએ. રેમડેસિવિર શા માટે હોસ્પિટલના દર્દીને જ અપાય છે હોમ ક્વોરન્ટાઇન રહેલા દર્દીને રેમડેસિવિરની મંજૂરી કેમ નથી અપાતી તેવો વેધક સવાલ પણ કર્યો હતો. તેમજ સૂચન કર્યું કે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને પણ ટ્રિટમેન્ટ મળવી જોઇએ.