Site icon Revoi.in

ગુજરાત બન્યું કૃષ્ણમય, કૃષ્ણ મંદિરો અને હવેલીઓમાં ભારે હર્ષોલ્લાસથી ઉજવાયો જન્મોત્સવ

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવ્યો હતો. જેમાં ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં, શામળાજી અને દ્વારકાધિશ સહિતના મંદિરો, ઈસ્કોન મંદિર અને તમામ હવેલીઓમાં કૃષ્ણ જન્મોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આમ ગુજરાત કૃષ્ણમય બન્યુ હતુ. સૌરાષ્ટ્રમાં તો ગામેગામ લોકમેળા યોજાયા હતા.

કાનુડાને લાડ લડાવવાનો તહેવાર એટલે જન્માષ્ટમી, ગુજરાતભરમાં કાનુડાનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યો હતો. લોકો રાત્રે બાળ સ્વરૂપ કાનજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્રમાં તો ગામેગામ લોકમેળા યોજાયા હતા. ને ગામડાંઓ નંદમય બન્યા હતા. અમદાવા શહેરમાં ઈસ્કોન મંદિર દ્વારા જન્માષ્ટમી પર્વનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આમ હર્ષોઉલ્લાસ, મજા-મસ્તી, ઉત્સાહ, ઉમંગનો તહેવાર એટલે જન્માષ્ટમી ઉત્સાહપૂર્ક ઊજવાયો હતો.

દ્વારકામાં આજે શ્રી કૃષ્ણના 5250માં જન્મોત્સવની હર્ષોલ્લાસથી ઊજવણી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દ્વારકાધીશના દર્શન માટે લાઈન લગાવી દીધી હતી.  કાળિયા ઠાકરને શ્રૃંગાર ભોગ બાદ સેફ્રોન એટલે કે કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણો ધરાવવામાં આવ્યા હતા. જગત મંદિર ઉપરાંત આસપાસના વિસ્તારોને સુંદર અને આકર્ષક રોશનીથા શણગારવામાં આવ્યા છે. 11:00 વાગ્યે શૃંગાર આરતી ત્યાર બાદ ગ્વાલ ભોગ અને 12.00 વાગ્યે ઠાકોરજીને રાજભોગ ચઢાવવામાં આવ્યો હતો. રાજભોગ એ ભગવાન દ્વારકાધીશનો મુખ્ય ભોગ છે. રાજભોગ પછી એવું માનવામાં આવે છે કે ભગવાન આરામ કરે છે. આથી બપોરે 1:00 વાગ્યે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જે સાંજે 5:00 વાગ્યે ફરી દર્શન માટે ખુલ્લા કરાયા હતા. ત્યારબાદ ભગવાનને ઉત્થાપન ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને સંધ્યાભોગ ધરાવાયો હતો. 7.45 વાગ્યે ભગવાનની સંધ્યા આરતીનો ઉપસ્થિત હજારો ભાવિકો તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણ ભકતોએ લાભ લીધો હતો. સંધ્યા આરતી બાદ ભગવાનને શયન ભોગ અર્પણ કરવામાં આવ્યો. શયન ભોગ બાદ ભગવાનની શયન આરતી ઉતારવામાં આવી. મંદિરના દ્વારને ફરી બંધ કરવામાં આવ્યા હતા. રાત્રે 12 વાગ્યે કૃષ્ણજન્મ સમયે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યુ હતું.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટની બજારોમાં આજે જન્માષ્ટમી નિમિત્તે રોનક જોવા મળી રહી છે. ભક્તો બાળ ગોપાલના વાઘા, શણગાર અને હિંડોળા લેવા બજારમાં ઊમટી પડ્યા હતા. ભક્તિમય વાતાવરણની વચ્ચે લાલજીની મનમોહક પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મંદિરોમાં કાનાને હિંડોળે ઝૂલાવવા ભાવિકો અધિરા બન્યા હતા. અદભુત વાઘા, અલૌકિક શણગાર અને મનમોહક લાલજીને જોવા માટે ભાવિકોમાં હરખની હેલી ઊભરાઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.