ગુજરાત રામમય બન્યું, મંદિરમાં રામલલા બિરાજમાન થતાની સાથે જ ફટાકડા ફોડી દિવાળી મનાવી
અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં રામલલા બિરાજમાન થયાં છે. આવતીકાલથી ભક્તો અયોધ્યામાં પ્રભુ શ્રીરામજીના દર્શન કરી શકશે. બીજી તરફ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રામમય બન્યું છે. મંદિરો અને વિવિધ સ્થળોને લાઈટથી શણગારવામાં આવ્યા હતા. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ફટાકડા ફોડીને જય શ્રી રામ…, મર્યાદા પુરુષોત્તમ રામ, સીયારામ અને જય હનુમાનજીના નાદથી વાતાવરણ પણ ધાર્મિક બની ચુક્યું હતું. વિવિધ સોસાયટી અને શેરીઓમાં રંગોળી કરવામાં આવી હતી. તેમજ ઠેર ઠેર શ્રી રામની ધ્વજા ફરકાવવામાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સરકારી કર્મચારીઓ અને સ્કુલોમાં અડધા દિવસની રજા આપવામાં આવી હતી. તેથી કરોડો શ્રદ્ધાળુઓએ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટીવી ઉપર નીહાળ્યો હતો. ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નીહાળી શકે તે માટે અનેક જગ્યા ઉપર વિશાળ એલઈડી લગાવવામાં આવ્યા હતા. હનુમાન મંદિરોમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તલવાર સાથે કરતબો દેખાડ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા થતા જ રાજ્યભરમાં લોકોએ ગરબાની પણ રમઝટ બોલાવી ઉજવણી કરી હતી. વિવિધ સોસાયટીઓ અને શેરીઓમાં ભજન અને હનુમાન ચાલીસાના પઠનની સાથે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર રાજ્ય રામમય બન્યું હતું.
રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થતા શ્રદ્ધાળુઓએ એક બીજાને જયશ્રી રામ કહીને અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહીં દુર રહેતા સ્વજનોને સોશિયલ મીડિયા મારફતે જય શ્રી રામ લખીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ રામલલાની તસ્વીર પણ એકબીજાને પોસ્ટ કરી હતી.