અમદાવાદઃ હિન્દુઓના પવિત્ર શ્રાવણ મહિનાના આજે પ્રથમ સોમવારે રાજ્યના શિલાવયોમાં સવારથી જ શિવભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. તેમજ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં હતા. ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરમાં હજારોમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યયાં હતા. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મહાદેવને શ્વેત અને પીળા પીતાંબર, વિવિધ પુષ્પો તેમજ ભસ્મનો અલૌકિક પ્રાત:શૃંગાર કરવામાં આવ્યો હતો.
ભગવાન સોમનાથના દર્શનની ઝાંખી કરી આજે ભક્તોએ ધન્યતા અનુભવી હતી, સાથે જ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતાં ભક્તો દ્વારા લગાવવામાં આવેલા ઓમ નમ: શિવાયના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું. મહાદેવના દર્શન માટે આજે અંદાજે એક કિલોમીટર સુધી ભક્તોની લાઈન લાગી હતી. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોને અગવડ ન પડે તે માટે વિશેષ સુવિધાઓ ઉભી કરાઈ છે.
શ્રાવણનો પ્રથમ સોમવારઃ ભગવાન ભોળાનાથને પ્રિય એવા શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે, ત્યારે શિવભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન ભોળાનાથને રીજવવા માટે ગુજરાતના અનેક નાના મોટા શિવાલયોમાં શિવભક્તોએ વહેલી સવારથી જ કતાર લગાવી છે. ભક્તો રુદ્રાભિષેક-જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેક શિવ મંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી રહ્યા છે. રાજ્યના વિવિધ શિવ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવાયા હતા. આ ઉપરાંત રાજ્યના વિવિધ શિવાલયોમાં ટુંકા વસ્ત્રો વહેરીને આવતા શ્રદ્ધાળુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.