અમદાવાદ:ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સોમવારે સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.પટેલની સાથે કેટલાક નવા મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે.કેબિનેટમાં અનુભવી ચહેરાઓ સાથે યુવાનોનો સમન્વય જોવા મળશે.ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને મેગા શો બનાવવા માટે ભાજપે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.આ શપથ ગ્રહણમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે જ અમદાવાદ પહોંચી ગયા છે.આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ કાર્યક્રમમાં ભાગ લેશે.
ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગ્યે 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે.અગાઉ, 8 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી ભૂપેન્દ્ર પટેલે નવી સરકારની રચનાની પ્રક્રિયાને આગળ વધારવા માટે શુક્રવારે સમગ્ર મંત્રીમંડળ સાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય થયો છે.182 સભ્યોના ગૃહમાં ભાજપે રેકોર્ડ 156 બેઠકો જીતી અને સતત સાતમી વખત જીત મેળવી.કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતી છે.શનિવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર નેતા તરીકે ચૂંટાયા હતા.ત્યારબાદ તેઓ રાજ્યપાલને મળ્યા અને આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીમાં સૌથી વધુ 1.92 લાખ મતોથી ઘાટલોડિયા બેઠક પર જીત્યા છે. ભૂપેન્દ્રની ગણતરી ભાજપના લો પ્રોફાઇલ નેતાઓમાં થાય છે.તેઓ કડવા પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બનનાર પ્રથમ નેતા છે.તેમણે સપ્ટેમ્બર 2021માં પ્રથમ વખત વિજય રૂપાણીની જગ્યા લીધી હતી.