રાજસ્થાન, M P સહિત ત્રણ રાજ્યોની ચૂંટણીમાં વિજય થતાં ગુજરાત ભાજપે હર્ષોલ્લાસ મનાવ્યો
અમદાવાદઃ દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ અને તેલંગાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં બહુમતી સાથે વિજય થતાં ગુજરાતમાં ભાજપ દ્વારા તમામ જિલ્લાઓમાં ફટાકડાં ફોડીને કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો હતો. અમદાવાદમાં ભાજપના વિજયોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા અમદાવાદમાં ભાજપ કાર્યાલયે ઊજવણી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓ હાથમાં ઝંડા, ઢોલ નગારા, ફટાકડા ફોડીને ઉજવણી કરી તો મહિલા કાર્યકર્તાઓએ ગરબા રમીને ઉજવણી કરી હતી. અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતા. શહેર પ્રમુખ સહિતના નેતાઓએ મુખ્યમંત્રીને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. અને ભાજપની ભવ્ય જીત બદલ કમળ બતાવી અને કાર્યકર્તાઓ પર ગુલાબની પાંદડીઓની વર્ષા કરી હતી. ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનો તેઓએ આભાર માન્યો હતો. અમદાવાદ શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી-આતાશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ અને ગેરંટી તેમજ ભારતીય જનતા પાર્ટી ઉપરનો ભરોસો બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આગળ વધે તેના માટે પ્રજાજનોએ વોટ આપીને વિજય બનાવ્યો છે. નરેન્દ્ર મોદીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે એ દરેકે દરેક રાજ્યમાં ડબલ એન્જિનની સરકારનો લાભ મળે અને દરેકે દરેક રાજ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધે એના માટેના પ્રયત્ન રહેશે. જેનો લાભ બધાને મળતો રહેશે.
ભાજપ દ્વારા રાજકોટ, પાટણ, સુરત, ભાવનગર સહિત તમામ શહેરોમાં વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. રાજકોટમાં તો ભાજપની મહિલા કાર્યકર્તાઓએ ગરબે ઘુમીને વિજયોત્સવ મનાવ્યો હતો.