અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપના કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. દરમિયાન આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ કામે લાગી જવા માટે ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસે ભાજપના જિલ્લા-મહાનગરના મીડિયા વિભાગના કન્વીનર, સહ કન્વીનર અને ડિબેટ ટીમને આહવાન કર્યું હતું.
ગુજરાત ભાજપના પ્રવક્તા યમલભાઈ વ્યાસ, કન્વીનર ડો. યજ્ઞેશભાઈ દવે અને સહકન્વીનર કિશોરભાઈ મકવાણાની આગેવાનીમાં આજે ભાજપના જિલ્લા-મહાનગરના મીડિયા વિભાગના કન્વીનર, સહકન્વીનર અને ડિબેટ ટીમના સભ્યોની વર્ચુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં યમલભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, મીડિયા વિભાગના કન્વીનર કે સહકન્વીનરની સાથે આપણે ભાજપના એક કાર્યકર છીએ અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની કામગીરીમાં અત્યારથી જ પુરી તાકાતથી લાગી જઈએ. તમામ લોકોએ ટીમ વર્કથી રાજ્ય સરકારની સિદ્ધીઓ જન જન સુધી પહોંચાડી તેના લાભોથી વંચિત નાગરિકોને લાભ આપવા માટે મહેનત કરવી જોઈએ. જુઠાણા અને અપપ્રચારને ડામવું એ આપણું પ્રથમ કર્તવ્ય છે. સોશિયલ મીડિયાના જમાનામાં આજે પણ ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનું એટલું જ મહત્વ છે.
પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો. યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, ડિબેટના સ્લોટમાં મળેલા સમયનો મહત્તમ ઉપયોગ કરીને પક્ષની વિચારધારા સંગઠન અને સરકારના કરેલા કાર્યોની છણાવટ કરી લોકો સુધી પહોંચાડવાનું છે. વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારધારાનો વિરોધ કરનારા વિરોધપક્ષને આપણે સાથે મળીને જવાબ આપવાનો છે. આ ઉપરાંત તેમણે જિલ્લા-મહાનગરમાં 10-10 સભ્યોની એક ડિબેટ ટીમ બનાવવાનું પણ સૂચન કર્યું હતું.
સહકન્વીનર કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભાજપના સંગઠનના તેમજ વિવિધ પ્રદેશ કે કેન્દ્રના નેતાઓ દ્વારા કરવામાં આવતો જિલ્લા-મહાનગરનો જનસંપર્ક આપણા વિભાગની વ્યવસ્થાઓ થકી યોગ્ય પ્રચાર પ્રસાર કરવોએ આપણી પ્રાથમિક ફરજ છે. પાર્ટીની અંત્યોદયની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની આપણી નૈતિક ફરજ છે.