ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારી બુધવારથી કેવડિયામાં મળશે, વિધાનસભાની ચૂંટણીનો રોડ મેપ બનાવાશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવાથી દોઢ વર્ષ જેટલો સમય ભાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક તા.1 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે યોજાશે. આ બેઠકમાં મંત્રીઓ અને તમામ પદાધિકારીઓને પોતાની ગાડીમાં નહીં, બસ કે ટ્રેનમાં જ આવવા માટેની સૂચના આપવામાં આવી છે, વડાપ્રધાન મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સીટી બનાવવાના ધ્યેય ને કારણે મંત્રીઓ અને આગેવાનોને ગાડીઓ નહીં લાવવા કહેવામાં આવ્યું છે.આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે. ભાજપની કારોબારીની બેઠકમાં આગમી વિધાનસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા થશે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યકાળની બીજી પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયામાં યોજાશે. જેમાં વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે, આ માટે પાટીલની જમ્બો કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે. જેમાં ભાજપના પદાધિકારીઓ પોતાની ખાનગી કાર લઈને નહીં આવે પરંતુ તમામને ટ્રેન કે બસથી કેવડિયા પહોંચવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સીધા હેલીકોપ્ટરથી કેવડિયા પહોંચશે. તમામ પદાધિકારીઓ અને સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળોએ બસથી જ ફરશે અને ઇલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરશે. જેથી કેવડિયામાં વાહનોના ટ્રાફિકની પરેશાની ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય. આ ઉપરાંત પ્રદેશ કારોબારીના અંતિમ દિવસ 3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આ બેઠકમાં પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબલેટ અપાશે. આ ટેબલેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરે રહેશે એ ઉપરાંત પાર્ટીના કાર્યક્રમો, વિઝન, જે તે કાર્યકરના પ્રવાસો, સંપર્ક અને ભાવિ કાર્યક્રમો પણ અપડેટ કરી શકાશે. કાર્યકર દ્વારા કોઇ રજૂઆત થઇ હોય તો તેની પ્રગતિ ક્યાં સુધી પહોંચી તેની જાણકારી તેને પ્રાપ્ત થાય એ દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. આ બેઠકમાં ચૂંટણી દરમિયાન પ્રચાર કેવી રીતે કરવો અને ભાજપના તમામ સભ્યોએ સોશિયલ મીડિયામાં કેવી રીતે એક્ટિવ રહેવું અને ચૂંટણી સુધી વ્યૂહરચના કરીને 27 વર્ષોની સત્તા વિરોધીતાને મતોમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. આ અંગે માહિતી આપવામાં આવશે. ઉપરાંત, લોકોની વચ્ચે જવું અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવા સિવાય, જો કોરોનાની બીજી લહેરમાં ક્યાંય પણ વહીવટની અછત હોય, તો તેને કેવી રીતે દૂર કરવી તે અંગે ચર્ચા કરવામાં આવશે.