અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવાથી દોઢ વર્ષ જેટલો સમય ભાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક તા.1 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે યોજાશે. આ બેઠકમાં મંત્રીઓ અને તમામ પદાધિકારીઓને પોતાની ગાડીમાં નહીં, બસ કે ટ્રેનમાં જ આવવા માટેની સૂચના આપવામાં આવી છે, વડાપ્રધાન મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સીટી બનાવવાના ધ્યેય ને કારણે મંત્રીઓ અને આગેવાનોને ગાડીઓ નહીં લાવવા કહેવામાં આવ્યું છે.આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે. ભાજપની કારોબારીની બેઠકમાં આગમી વિધાનસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા થશે.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબલેટ અપાશે. આ ટેબલેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરે રહેશે એ ઉપરાંત પાર્ટીના કાર્યક્રમો, વિઝન, જે તે કાર્યકરના પ્રવાસો, સંપર્ક અને ભાવિ કાર્યક્રમો પણ અપડેટ કરી શકાશે. કાર્યકર દ્વારા કોઇ રજૂઆત થઇ હોય તો તેની પ્રગતિ ક્યાં સુધી પહોંચી તેની જાણકારી તેને પ્રાપ્ત થાય એ દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. આ બેઠકમાં ચૂંટણી દરમિયાન પ્રચાર કેવી રીતે કરવો અને ભાજપના તમામ સભ્યોએ સોશિયલ મીડિયામાં કેવી રીતે એક્ટિવ રહેવું અને ચૂંટણી સુધી વ્યૂહરચના કરીને 27 વર્ષોની સત્તા વિરોધીતાને મતોમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. આ અંગે માહિતી આપવામાં આવશે. ઉપરાંત, લોકોની વચ્ચે જવું અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવા સિવાય, જો કોરોનાની બીજી લહેરમાં ક્યાંય પણ વહીવટની અછત હોય, તો તેને કેવી રીતે દૂર કરવી તે અંગે ચર્ચા કરવામાં આવશે.