ગુજરાતઃ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી BJP દ્વારા તૈયારીઓ શરૂ, PM કાર્યકરો સાથે કરશે સંવાદ
અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં મતદાન યોજાવાનું છે. દરમિયાન આજે પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના ભાજપના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. દરમિયાન ચાલુ વર્ષે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચારને લઈને તૈયારીઓ શરૂ કરી છે. આગામી દિવસોમાં પીએમ મોદી ભાજપના કાર્યકરો સાથે પણ ચૂંટણીને લઈને સંવાદ કરે તેવી શકયતાઓ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં મતદાન યોજાનું છે. ભાજપ સહિતના રાજકીય પક્ષો દ્વારા હાલ આ પાંચ રાજ્યો ઉપર તમામ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશમાં ચૂંટણીને લઈને ભાજપના કેટલાક નેતા-કાર્યકરોને મહત્વની જવાબદારી સોંપી છે. જેથી આ નેતાઓએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ મતદારો સુધી પહોંચાડી રહ્યાં છે. બીજી તરફ ચાલુ વર્ષે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસ પણ ભાજપને ટક્કર આપવા માટે એકશન પ્લાન તૈયારી કરવાની દિશામાં આગળ વધી છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણુંક કરી હતી. એટલું જ નહીં અમદાવાદ સહિતના મનપામાં વિપક્ષના નેતાઓની પણ વરણી કરી છે. કોંગ્રેસ દ્વારા આંતરીક જૂથવાદને ખાડવા અને પક્ષને વધારે મજબુત બનાવવાની દિશામાં કવાયત શરૂ કરી છે.
દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરે તેવી શકયા છે અને તેઓ નવા જુસ્સા સાથે કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકશે. પીએમ મોદી ભાજપના પેજ પ્રમુખો અને પેજસમિતિના કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે. જેના કારણે ગુજરાતમાં ભાજપે તમામ પેજ પ્રમુખોને નમો એપ સાથે જોડાવા તૈયારી કરી છે. નમો એપ ના માધ્યમથી પીએમ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે. આગામી સપ્તાહે પીએમ મોદી ગુજરાત ભાજપના કાર્યકરો સાથે વર્ચ્યુઅલ સંબોધન કરશે. પેજ પ્રમુખોને પીએમ મોદી સંબોધન કરશે. ભાજપે તમામ જિલ્લા-શહેર પ્રમુખો, હોદ્દેદારોને અત્યારથી સૂચના આપી દીધી હોવાનું જાણવા મળે છે. આ સપ્તાહના અંત સુધીમાં તમામ પેજ પ્રમુખોને નમો એપ સાથે જોડાવા સૂચના આપી છે.