- વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો
- પંજાબની કોંગ્રેસ સરકાર સામે પૂતળાનું દહન કરી રોષ વ્યકત કર્યો
- જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા કરાયું પૂતળાનું દહન
મોડાસા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં એક મોટી ચૂક થતા ભારે હોબાળો મચ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક કરનાર પંજાબની કોંગ્રેસ સરકાર સામે પૂતળાનું દહન કરી રોષ વ્યકત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના બઠિંડા અને ફિરોજપુરમાં રેલીને સંબોધિત કરવાના હતા. ત્યારે હુસૈનવાલામાં નેશનલ માર્ટર મેમોરિયલથી લગભગ 30 કિલોમીટર દૂર એક ફ્લાયઓવર પર વડાપ્રધાનનો કાફલો પહોંચ્યો, ત્યારે ફ્લાયઓવરથી થોડે દૂર કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા રોડને બ્લોક કરેલો જોઈને SPG હરકતમાં આવી ગઈ હતી અને લગભગ વડાપ્રધાન મોદી તથા તેમના કાફલાને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક દાખવામાં આવતા ભાજપના કાર્યકર્તાઓએ શહેરમાં રેલી યોજી ‘હાય રે પંજાબ સરકાર હાય હાય’ અને ‘હાય રે કોંગ્રેસ હાય હાય’ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી,ચારરસ્તા ખાતે પૂતળાનું દહન કરી રોષ વ્યકત કર્યો હતો..આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ,નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.