Site icon Revoi.in

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના સાયન્સના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવાનો થયો પ્રારંભ

Social Share

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 27મી ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવાનો આજે તા. 22મી ઓક્ટોબરથી પ્રારંભ થયો છે. પરીક્ષા ફોર્મ તા. 30મી નવેમ્બર સુધી ભરી શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  આગામી 27મી ફેબ્રુઆરીથી 13મી માર્ચ સુધી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો વિષયવાર કાર્યક્રમ પણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે.  ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનો આજથી પ્રારંભ થયો છે. પરીક્ષાના આ ફોર્મ તા 30 નવેમ્બર સુધી ભરી શકાશે. દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો માર્ચ મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી પ્રારંભ થતો હતો. પરંતુ આ વખતે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં જ બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે અને બોર્ડ દ્વારા આ પરીક્ષાનો વિષયવાર કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.

શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાને લગતા ફોર્મ ભરાવાની તારીખો પણ જાહેર કરી દીધી છે, જે અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવા માટેની વિગતો અને તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના ફોર્મ 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે. આમ તો બોર્ડના ફોર્મ ભરવાની તમામ વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રીપીટર વિદ્યાર્થી હોય આ ફોર્મ ફરજિયાત ઓનલાઈન ભરવાના રહેશે. ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાના તમામ પ્રકારના નિયમિત, રીપીટર, પૃથક, GSOS નિયમિત, GSOS રીપીટરના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.