Site icon Revoi.in

ગુજરાતઃ ધો-10 અને 12ની પરીક્ષાના પરિણામ માટે બોર્ડે તૈયારીઓ શરૂ કરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે માર્ચ-2022માં ધો-10 અને 12ની પરીક્ષા યોજાઈ હતી. બોર્ડની પરીક્ષામાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠા હતા. હાલ બોર્ડ દ્વારા પેપર મુલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન મે તથા જૂન મહિનામાં બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. જો કે, હજુ સુધી પરીણામ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા 28મી માર્ચથી શરૂ થઈ હતી. પહેલા 14મી માર્ચથી પરીક્ષા યોજાવાની હતી જો કે, કોરોનાને પગલે પરીક્ષાને બે અઠવાડિયા પાછળ ઠેલવામાં આવી હતી. ધોરણ-10 અને 12 સાયન્‍સના બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્‍યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જયારે સામાન્‍ય પ્રવાહની માત્ર 10 ટકા જેટલી કામગીરી બાકી છે અને ગણતરીના દિવસોમાં જ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. ચાલુ મહિનાના અંતમાં ધોરણ-12 સાયન્‍સનું પરિણામ જાહેર કરવાનું આયોજન ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે. બોર્ડના પેપર ચકાસણીની કામગીરીમાં 60 હજારથી વધારે શિક્ષકો જોડાયાં હતા. ધોરણ-12 સાયન્‍સનું પરિણામ 25મી મેની આસપાસ અને ધોરણ-10 તથા 12 સાયન્‍સનું પરિણામ જૂન માસમાં જાહેર કરવામાં આવી શકે છે. આ પછી 13 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સ્કૂલ-કોલેજમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. તેમજ તાજેતરમાં સ્કૂલોમાં યોજાયેલી પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે. તેમજ હાલ આરટીઈ હેઠળ ગરીબ પરિવારના ધો-1ના વિદ્યાર્થીઓને પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે.