Site icon Revoi.in

ગુજરાતઃ NEET પેપર લીક કેસની તપાસ માટે CBIની ટીમ ગોધરા આવશે

Social Share

અમદાવાદઃ CBIએ NEET-UG પરીક્ષા-2024માં પેપર લીક સહિત અન્ય ગેરરીતિઓની તપાસ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. શનિવારે રાત્રે કેન્દ્ર સરકારે આ કેસની તપાસ CBIને સોંપી હતી. રવિવારે CBIએ કેસ નોંધ્યો હતો અને તપાસ માટે બે વિશેષ ટીમોની રચના કરી હતી. આમાંથી એક ટીમ રવિવારે સાંજે પટના પહોંચી ગઈ છે. તો બીજી ટીમ ગુજરાતના ગોધરામાં મોકલવામાં આવી છે.

CBIના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ટીમે બિહારના EOUનો સંપર્ક કર્યો છે. NEET પેપર લીક સંબંધિત દસ્તાવેજો અને અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ રિપોર્ટ EOU પાસેથી માંગવામાં આવ્યા છે. CBIની ટીમ તમામ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ પોતાની કાર્યવાહી શરૂ કરશે.

અગાઉ, CBI દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં, એવું કહેવામાં આવ્યું છે કે ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ નિયામકની લેખિત ફરિયાદના આધારે, CBIએ NEET પરીક્ષામાં ગેરરીતિઓ સંબંધિત ફોજદારી કેસ નોંધ્યો છે. 5 મે 2024 ના રોજ, NTA દ્વારા 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર NEET (UG) 2024ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 23 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી.

FIR જણાવે છે કે NEET (UG) 2024ની પરીક્ષા દરમિયાન કેટલાક રાજ્યોમાં કેટલીક અલગ-અલગ ઘટનાઓ બની હતી. તેથી શિક્ષણ મંત્રાલયે CBIને અનિયમિતતાઓની વ્યાપક તપાસ કરવા વિનંતી કરી છે. CBIને ઉમેદવારો, સંસ્થાઓ અને વચેટિયાઓ દ્વારા ષડયંત્ર, છેતરપિંડી, પુરાવાનો નાશ અને NEET પરીક્ષામાં ગેરરીતિઓની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો NTA સાથે જોડાયેલા લોકો આ મામલામાં સંડોવાયેલા છે તો તેમની ભૂમિકા પણ તપાસવી જોઈએ. CBIએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.  CBI બે વિશેષ ટીમો બનાવી છે.  CBIની વિશેષ ટીમો બિહારના પટના અને ગુજરાતના ગોધરામાં મોકલવામાં આવી છે.