ગુજરાતે પર્ફોમન્સ પોલિટિક્સની શરૂઆત કરીને દેશની રાજનીતિ બદલી નાંખીઃ રાજનાથસિંહ
વડોદરાઃ ગુજરાત ભાજપની ત્રિદિવસીય કારોબારી કેવડિયામાં સરદાર સરોવર નજીક ટેન્ટસિટીમાં ચાલી રહી છે. કારોબારીનો આજે બીજો દિવસ હતો. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રદેશ ભાજપની કારોબારીમાં ઉપસ્થિત રહેતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજનાથસિંહ સહિતના નેતાઓએ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કારોબારીમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સફળતાનું કારણ એ છે કે ભાજપે સત્તાથી લોકોનું જીવન બદલ્યું છે. પર્ફોર્મન્સ પોલિટિક્સની જે શરૂઆત ગુજરાતે કરી તેણે દેશની રાજનીતિ બદલી છે. આ બદલાવમાં નરેન્દ્ર મોદીની ખૂબ મહત્વની ભૂમિકા રહી છે. છેલ્લા 20 વર્ષથી તેઓ પરફોર્મન્સ પોલિટિક્સ અને છેવાડાના માનવીના હિતની ચિંતા કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે ગાંધી નામનો ખૂબ ઉપયોગ કર્યો. એટલે સુધી કર્યો કે ગાંધી અટક પણ રાખી લીધી. પણ તેમણે ગાંધીજીનું કામ છોડી દીધું. કોંગ્રેસની સરકારોએ દેશનું ભલું કરવાના બદલે પોતાનું ભલું કર્યું છે. કોંગ્રેસે લોકોના લાભને બદલે ભ્રષ્ટાચાર વધાર્યો છે.
તેમણે કારોબારીમાં સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, આજે આખાય ભારતમાં આતંકવાદ નથી. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે. ગુજરાતમાં ભાજપાનાં કાર્યકરો સીઆર પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપયોગથી વધુ મજબૂત બન્યા છે. વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે. ખરેખર ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે. 2 વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી છે. થોડા વખતમાં ભારત હથિયારોના ઉત્પાદનમાં પણ સંપૂર્ણ સ્વાવલંબી બનશે. કોંગ્રેસને આયાતી ટેલેન્ટ લાવવા પડે છે, જ્યારે ગુજરાત ભાજપમાં ટેલેન્ટની કમી નથી. કોઈ પણ બાબતનો વિરોધ કરવો એ શબ્દનો પર્યાય છે રાહુલ ગાંધી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કારોબારી બેઠકમાં સી.આર.પાટીલના સ્વાગત પ્રવચન બાદ શોક પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી માટેનો આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહ ડિજિટલ કનેકટ ગુજરાત પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કારોબારી બેઠકમાં રાજકીય પ્રસ્તાવ લાવશે, તેમજ મિશન 2022 અંગેની બાબતો રજૂ કરશે.