ગુજરાતઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદઃ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમની હાજરીમાં જ 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. સવારથી જ રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો ઉપર મોટી સંખ્યામાં કિશોરો રસી લેવા માટે આવ્યાં હતા. સરકાર દ્વારા ગણતરીના દિવસોમાં જ 35 લાખથી વધારે કિશોરોને રસી આપીને કોરોનાથી સુરક્ષિત કરવાનું આયોજન કર્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના કોબામાંથી બાળકોના રસીકરણ મહાભિયાનનો શુભારંભ કરાવ્યો. ગાંધીનગર નજીક કોબાની જી ડી કોબાવાલા હાઈસ્કૂલથી રસીકરણનો આરંભ કરાવ્યો. મુખ્યપ્રધાન થોડીવારમાં સ્કૂલમાં પહોંચી 15થી 18 વર્ષના બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સિનેશન ડ્રાઈવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આજથી કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. 15થી 18 વર્ષના કિશોરોના કોરોના રસીકરણને લઈને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પમાં 2007 પહેલા જન્મેલા વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવશે. આ માટે અગાથી જ વિદ્યાર્થીઓ અને તંત્રને જરૂરી સુચના પણ આપવામાં આવી હતી. રસી લેવા આવતા બાળકોએ નાસ્તો કરીને કે જમીને આવવા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ આધારકાર્ડ પણ સાથે રાખવાની તાકીદ કરાઈ હતી. એટલું જ નહીં એલર્જી કે બીમારી અંગે વિદ્યાર્થીઓએ અગાઉથી આરોગ્ય વિભાગની ટીમને જાણ કરવાની રહેશે. સ્કૂલમાં સવારે 9થી 4 વાગ્યાના સુધી વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવશે.