અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિવાળીની ગુજરાતની જનતાને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કહ્યું હતું કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથો સાથ સમાજ જીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે.
दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते ॥
હર્ષોલ્લાસ અને પ્રકાશોત્સવના પાવન પર્વ "દિપાવલી"ની રાજ્યના સૌ નાગરિકોને હ્દયપૂર્વકની શુભકામનાઓ.આ "પ્રકાશ પર્વ" આપના જીવનમાં સુખ, શાંતિ,સ્નેહ અને સમૃદ્ધિનો અર્પે તેવી તેવી મંગલ કામના. pic.twitter.com/kpRNQd8hld— Bhupendra Patel (@Bhupendrapbjp) November 4, 2021
અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે દિવાળીની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ દર્શન માટે જોવા મળી હતી. તેમજ મોબાઈલ ફોન મારફતે મિત્રો અને સ્નેહીજનોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ રાજ્યની જનતાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ વિક્રમ સંવત 2078નું નૂતનવર્ષ સૌ માટે સમૃદ્ધિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી મંગલકામના કરી છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી શક્તિ, ક્ષમતાના શ્રેષ્ઠત્તમ ઉપયોગથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ નૂતનવર્ષે સૌ સાથે મળીને સાકાર કરીયે. સાતત્યપૂર્ણ વિકાસની દિશામાં નક્કર કદમ માંડીને ગુજરાત વિકાસના રોલ મોડેલના રૂપમાં પ્રસ્થાપિત થયું છે તે પરંપરા સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ તથા પ્રયાસથી વિક્રમ સંવત 2078ના નૂતનવર્ષમાં પણ જળવાય અને ગુજરાત તથા ગુજરાતીઓ સામાજિક, આર્થિક, વાણિજ્યીક તમામ ક્ષેત્રે અગ્રેસર રહે તેવી અભિલાષા દર્શાવી છે.