Site icon Revoi.in

ગુજરાતઃ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીથી કરાવશે પ્રારંભ

Social Share

અમદાવાદઃ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે દેશભરમાં આગામી તા. 15મી નવેમ્બર જન-જાતિય ગૌરવ દિવસથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ઝારખંડ ખાતેથી દેશવ્યાપી તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતેથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. યોજનાકિય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથો ગામેગામ ભ્રમણ કરશે. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. 

આ યાત્રાનો પ્રારંભ દેશના અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતા 110 નોંધપાત્ર જિલ્લાઓમાં 15મી નવેમ્બરથી અને અન્ય જિલ્લાઓમાં નવેમ્બર-2023ના ત્રીજા સપ્તાહથી કરવામાં આવશે. જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનનો વિડીયો સંદેશ, વિકસીત ભારતના સંકલ્પ લેવડાવવા સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. 10 હજારથી વધુ વસ્તી ધરાવતા 13848 સ્થળો આવરી લેવાય તે રીતે આધુનિક રથ ભ્રમણ કરાવવાનું આયોજન છે. 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી 100 ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ સાથે આ યાત્રા યોજાશે. 

જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવામાં આવશે. યાત્રા દરમિયાન પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાનો 100 ટકા કક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. 

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની 17 યોજનાઓને આવરી લેવામાં આવી છે. 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે રાજ્ય સ્તરેથી નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. આ માટે તમામ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ પણ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડેલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. ભ્રમણના રૂટ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ગામડાઓમાં ગ્રામ સભા, આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની યોજનાને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઇ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ના જાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવશે.