Site icon Revoi.in

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મ દિવસ, PM મોદીએ ટ્વીટ કરીને આપી શુભેચ્છા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 15 જુલાઈએ 62મો જન્મદિવસ છે. મુખ્યમંત્રી આજે પોતાના જન્મદિને સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરૂમાની સમાધિ પર શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જળાભિષેક કર્યો હતો. તેમજ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. તેમજ મંત્રી મંડળના સભ્યો, અધિકારીઓએ પણ મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ, 1962ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો હતો. તેમણે એપ્રિલ 1982માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવી છે. તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે.  11 સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની પાર્ટી વિધાનસભા બેઠકમાં 13 સપ્ટેમ્બર, 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલ સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે. તેઓ ક્રિકેટ અને બેડમિન્ટનમાં રૂચિ ધરાવે છે. તેઓ દાદા ભગવાન દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે.  ભૂપેન્દ્ર પટેલ 1995-96, 1999-2000 અને 2004-06માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. 2008થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા. 2010થી 2015 સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા. તેઓ 2015થી 2017 સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.