અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછુ થતા રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી રહી છે. ધંધા-વેપારને ફરીવાર વેગ મળે તે માટે સરકાર દ્વારા કર્ફ્યુમાં પણ રાહત આપવામાં આવી રહી છે. આવા સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવેથી 36 પૈકી 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યું ઊઠાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે આઠ મહાનગરપાલિકા સહિત 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યું સહિતના નિયંત્રણો યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
રાત્રિ કર્ફ્યુંવાળા 18 શહેરોમાં હોટેલ, રેસ્ટોરન્ટ 60 ટકાની ક્ષમતા સાથે રાત્રે નવ વાગ્યા સુધી જ્યારે હોમ ડિલિવરી રાત્રિ 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
કાલથી નવા નિયમો અનુસાર લગ્ન પ્રસંગમાં 100 લોકો જ્યારે અંતિમક્રિયામાં 40 લોકો ઉપસ્થિત રહી શકશે. આ સિવાય સામાજિક કે રાજકીય પ્રસંગો તથા ધાર્મિક સ્થાનોમાં હોલની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 200 લોકો ઉપસ્થિત રહી શકશે. જાહેર પરિવહનની એસ.ટી. બસોમાં 75 ટકા ક્ષમતા સાથે મુસાફરોને છૂટ અપાઈ છે.
ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા પણ જોરશોરથી ચાલી રહી છે, રોજ મોટી સંખ્યામાં લોકો વેક્સિન લઈ રહ્યા છે. ગુજરાતમાં લગભગ 2.4 કરોડથી વધારે લોકોને અત્યાર સુધી વેક્સિન આપવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે , વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-હિંમતનગર, અમરેલી, સુરત, દાહોદ, આણંદ, નડિયાદ, અને ગોધરા શહેરોમાં કર્ફ્યું મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.
કર્ફ્યું સિવાયના તમામ વિસ્તારોમાં દુકાન, રેસ્ટોરન્ટ, સહિતની વ્યવસાયો ધરાવતાં સંચાલકો, માલિક તથા બધા જ કર્મચારીગણે આગામી 10મી જુલાઈ સુધીમાં કોવિડની રસી ફરજિયાત લેવાની રહેશે.
રાજ્યના આઠ મહાનગરો સહિત વાપી, અંકલેશ્વર, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભૂજ અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યુંનો અમલ યથાવત રહેશે.