ગાંધીનગર: ગુજરાત સરકારના કર્મચારીઓ અને અધિકારીઓએ દર વર્ષે પોતાની સ્થાવર મિલકતો જાહેર કરવાનો નિયમ છે. ઘણા અધિકારીઓ પોતાની મિલક્તો જાહેર કરતા નથી. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર કરીને અધિકારીઓને પોતાની મિલકતો જાહેર કરવાની તાકીદ કરવામાં આવતી હોય છે. હવે વર્ગ-3ના કરાર આધારિત સહિત તમામ કાયમી વર્ગ-3ના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ આગામી 15મી મે સુધીમાં પોતાની સ્થાવર અને જંગમ મિલક્તોની માહિતી કર્મયોગી સોફ્ટવેર દ્વારા ઓનલાઈન ભરીને મોકલી આપવી પડશે.
ગાંધીનગરના સામાન્ય વહિવટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના વર્ગ ૩ના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ પણ પોતાની મિલકતો અને સ્થાવર મિલકત જાહેર કરવી પડશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, વર્ગ 3 ના કરાર આધારિત કર્મચારીઓએ પણ પોતાની સ્થાવર મિલકતો દર વર્ષે જાહેર કરવી પડશે. સરકારના વર્ગ ૩ના કાયમી કર્મચારીઓ તેમજ અધિકારીઓએ આ વર્ષે 15 મે સુધીમાં ફરજિયાત કર્મયોગી સોફ્ટવેર દ્વારા પોતાની પાસે રહેલી મિલકતો અને સ્થાવર મિલકતની વિગતો ઓનલાઇન ભરવાની રહેશે. સામાન્ય રીતે રાજ્ય સરકારમાં વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ દ્વારા જાન્યુઆરી માસ સુધીમાં પોતાની સ્થાવર મિલકત દર વર્ષે જાહેર કરવી પડે છે. આવા વર્ગ એક અને વર્ગ બેના કર્મચારીઓને પણ માર્ચ મહિનાના અંત સુધીમાં ફરજિયાત તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે. જો આ મિલકત સમયસર જાહેર ન કરે તો સરકાર દ્વારા પગાર અટકાવવા સહિતના પગલાં ભરવામાં આવશે. રાજ્ય સરકારના વર્ગ એક થી વર્ગ ૩ ના કર્મચારી અધિકારીઓ ની વરસ દરમિયાન થાવર કે જંગમ મિલકતમાં થયેલા ફેરબદલને ની પણ નોંધ કરવી પડશે. (File photo)