ગુજરાત: કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને મદદ મળવાનું શરૂ, સીએમ રૂપાણીએ કરી હતી જાહેરાત
- કોરોનામાં અનાથ થયેલા બાળકોની મદદે રાજ્ય સરકાર
- મુખ્યમંત્રી બાળસેવા યોજનાની કરવામાં આવી છે જાહેરાત
- આ રીતે મળશે બાળકોને મદદ
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 30 મે 2021ના રોજ મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત તે બાળકોને રાજ્ય સરકાર મદદ કરશે જે બાળકોએ કોરોનાકાળમાં પોતાના માતા પિતાને ગુમાવ્યા છે.
આજથી શરૂ થનારી મુખ્યમંત્રી બાળસેવા યોજનામાં પીડિત બાળકને 18 વર્ષ સુધી માસિક રૂ.4000ની સહાય આપવામાં આવશે, તેમજ 18 થી 24 વર્ષ સુધી રૂ.6000 ની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ માટે અગ્રતા આપવામાં આવશે, આવકમર્યાદા રાખવામાં આવશે નહિ તેમજ વિદેશ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના (MYSY) અંતર્ગત 50 ટકા ફીસ સહાય આપવામાં આવશે.
નિરાધાર થયેલી કન્યાઓ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળામાં પ્રવેશમાં અગ્રતા તેમજ છાત્રાલયનો ખર્ચ સરકાર આપશે. રાજ્ય સરકારની “કુંવરબાઈનું મામેરું” યોજનામાં આવી કન્યાઓને અગ્રતા આપવામાં આવશે.
મહત્વનું છે કે કોરોનામાં રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર પણ બાળકો પ્રત્યે ધ્યાન આપી રહી છે અને કેન્દ્ર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે, કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી સહાય મુજબ આવા બાળકો 18 વર્ષના થશે ત્યારે માસિક ભથ્થું આપવામાં આવશે અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે પીએમ કેયર્સ ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.