ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિધાનસભા વિપક્ષના નેતાપદે સુખરામ રાઠવાની નિયુક્તિ કરવામાં આવી છે. આમ તો ગઈ કાલે જ બન્નેના નામ નક્કી કરી દેવાયા હતા.પણ તેની સત્તાવાર જાહેરાત આજે શુક્રવારે કરવામાં આવી હતી. જગદીશ ઠાકોર લડાયક ઓબીસી નેતાની છાપ ધરાવે છે, જ્યારે સુખરામ રાઠવા આદિવાસી નેતા છે. આમ કોંગ્રેસે ઓબીસી અને આદિવાસીને મહત્વ આપ્યુ છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે કોને બેસાડવા તે અંગે ઘમા સમયથી કવાયત ચાલી રહી હતી. પ્રદેશના સિનિયર નેતાઓ પણ પ્રદેશ પ્રમુખ બનવા માટે લોબીંગ કર્યું હતું. તેથી હાઈકમાન્ડ કોઈપણ નિર્ણય લેવામાં અચકાતી હતી. આખરે કોંગ્રેસે પણ ભાજપની જેમ ‘નો રીપીટ’ થીયરી અપનાવી હોય તેવી છાપ ઉપસી છે. આ સાથે જ ભાજપની જેમ કોંગ્રેસે પણ ગાંધીનગરમાં સૌરાષ્ટ્રનું વજન તથા કદ બંને વેતર્યાનું પણ રાજકીય લોબીને લાગ્યું છે. હવે પ્રદેશની પૂરી બોડીથી માંડી શહેર-જિલ્લામાં ટીમો પણ બદલાશે ત્યારે ચારે ઝોનના પ્રમુખ તરીકે કોના નામ પસંદ થાય તેના પર સૌની નજર રહેશે. કારણ કે પાટીદાર સમાજના હાર્દિક પટેલ હાલ તો કાર્યકારી પ્રમુખ જ રહી ગયા છે. કોંગ્રેસે ગુજરાતમાં ઓબીસી અને આદિવાસી નેતાગીરી પર વિશ્વાસ મુકયો છે પ્રદેશ પ્રમુખ ચૂંટણી નહીં લડી શકે તેવી જાહેરાત પણ કરી દેવાતા પ્રમુખ માત્ર સંગઠનમાં જોર લગાવશે તે સ્પષ્ટ થયું છે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવા પ્રમુખ જગદીશ ઠાકોર 2002થી 2007માં ધારાસભ્ય અને 2009માં સાંસદ હતાં. તેઓ 2014ની ચૂંટણી લડયા ન હતાં જ્યારે વિપક્ષના નેતા તરીકે વરણી થયેલા સુખરામ રાઠવા છોટા ઉદેપુરના જેતપુરના ધારાસભ્ય છે. આ આદિવાસી નેતા 1985થી 2002 સુધી અને 2019માં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આમ બંને પદ પર સીનીયરને જવાબદારી સોંપવામાં આવી છે. આજે સત્તાવાર જાહેરાત કરાતા લાંબા સમયની અટકળો અને પ્રતિક્ષાનો અંત આવ્યો છે. પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ દિલ્હી ખાતે કરેલા રિપોર્ટીંગ બાદ હાઇકમાન્ડે જૂથવાદની ચિંતા વગર નવા નામો પસંદ કર્યા હતા.