અમદાવાદઃ ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને કોંગ્રેસ દ્વારા “હાથ થી હાથ જોડો” પદયાત્રાનો શુભારંભ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો પદયાત્રા શરુ કરી અને 4000 કિલોમીટર ચાલીને દેશના ખૂણે ખૂણે એકતા અને અખંડતાની મશાલ જલાવી ત્યારે આ પ્રેમ, સદભાવના સંદેશ અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ ગામ શહેરો સુધી પહોંચાડવા માટે ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રા યોજાશે તેના જ ભાગરૂપે ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન, પાલડી સુધીની ‘હાથ સે હાથ જોડો’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
તેમણે આ પ્રસંગે ગુજરાતની ભાજપની સરકારની આલોચના કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. તાજેતમાં જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ, જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા હતા. રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે. પહેલેથી બેરોજગારીનો ભોગ બનેલા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવી પડી છે. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં વધારો કરવાનું રાજ્યની ભાજપ સરકારનું આ પગલું અત્યંત નીંદનીય છે.
કોંગ્રેસની હાથ સે હાથ જોડો પદયાત્રામાં જોડાયેલા કાર્યકર્તા ભાઈઓ-બહેનો, નાગરિકોએ “પરીક્ષાના પેપર ફુટ્યા, યુવાનોના સ્વપ્ના તૂટ્યા” સહિતના સૂત્રો ના પ્લે-કાર્ડ સાથે દેખાવો કર્યા હતા.
હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે. આ સંજોગોમાં ભાજપ સરકારના વારંવાર પેપરલીંકના અત્યંત ગંભીર અને ગુનાહિત કારનામા સામે વિરોધ વ્યક્ત કરવા ગાંધી આશ્રમ, સાબરમતીથી પાલડી અમદાવાદ સુધી પ્રતિકાત્મક રેલી-કૂચ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ગુજરાતના યુવાનોને માટે કોંગ્રેસ પક્ષે નીચે મુજબ મુખ્ય પાંચ માંગ સાથે પદયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શહેરના સાબરમતી ગાંધી આશ્રમથી શરૂ થયેલી ‘હાથ સે હાથ જોડો’ પદયાત્રામાં વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા અમીત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, જીગ્નેશ મેવાણી, રૂત્વિક મકવાણા, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, ધારાસભ્ય સી.જે. ચાવડા, ઈમરાન ખેડાવાલા, ડૉ. કીરીટ પટેલ, કાંતિભાઈ ખરાડી, ગુલાબસિંહ ચૌહાણ, અમૃતજી ઠાકોર, દિનેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોર, વિરજીભાઈ ઠુંમર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા બાલુભાઈ પટેલ, ડૉ. કનુભાઈ કલસરીયા, ડૉ. ચંદ્રિકાબેન ચુડાસમા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલ, બીમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા હિરેન બેંકર, ડૉ. અમિત નાયક, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીરવ બક્ષી, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતા શેહઝાદખાન પઠાણ સહિત પ્રદેશના હોદ્દેદારો – આગેવાનો – જીલ્લા – તાલુકાના આગેવાનો – હોદ્દેદારો – કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.