અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢથી બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલાં જ કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધ્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 41 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે તેમજ સંગઠનને વધુ મજબૂત કરવા નવા બે હજારથી વધુ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.જ્યારે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અન્ય રાજ્યોમાંથી ભાજપના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિધાનસભાની 182 બેઠક પર કોંગ્રેસના 850થી વધુ દાવેદારો નોંધાયા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક આજથી મળશે, જેમાં ઉમેદવારોની પ્રથમ યાદી અંગેની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. ઓક્ટોબરના અંત સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીએ બે યાદી જાહેર કર્યા પછી કોંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોતે એવી જાહેરાત કરી હતી કે, 15મી સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરાશે. બાદમાં દાવેદારોની સંખ્યા વધી જતાં આ યાદી સપ્ટેમ્બરના અંતમાં જાહેર થશે એવી જાહેરાત કરાઈ હતી. ભારત જોડો યાત્રા અને રાજસ્થાનમાં ગેહલોત તથા સચિન પાઈલટ વચ્ચેની રાજકીય લડાઈ તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી ઘોંચમાં પડી હતી. હવે બે દિવસ ઉમેદવારોની પસંદગી માટે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાવાની છે, જેમાં ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવશે. પ્રથમ સીટિંગ ધારાસભ્યોના નામની જાહેરાત કરી દેવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે, કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર મલ્લિકાઅર્જુન ખડગે આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રચાર અર્થે અમદાવાદ આવનારા ખડગે શુક્રવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ડેલિગેટ્સ સાથે બેઠક યોજશે. આ ઉપરાંત મત આપવા અપીલ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં 409 મતદારો છે. હાલમાં શશિ થરૂર અને મલ્લિકાઅર્જુન ખડગેને ગુજરાતમાંથી કેટલા મત મળશે એ કહેવું મુશ્કેલ છે.