Site icon Revoi.in

કિસાન મોરચા દ્વારા સોમવારે ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસે આપ્યું સમર્થન

Social Share

અમદાવાદઃ દેશભરમાં કૃષિ બિલના  વિરોધમાં  આવતીકાલ તા.27મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે. જેમાં સંયુક્ત કિસાન મોરચાના બંધને ગુજરાત કોંગ્રેસ અને કિસાન સેલે  સમર્થન જાહેર કર્યું છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું હતું  કે નવા કૃષિ કાયદાથી સંગ્રહખોરી વધી છે. જેથી ખેડૂતો અને પ્રજા બંનેને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. રાજ્યમાં અડધો અડધ APMCની આવક ઘટી છે તો 15 APMC બંધ કરવી પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સંયુક્ત કિસાન મોરચાએ  ત્રણ કૃષિ કાયદાઓ  રદ કરવાની માગ સાથે કાલે  27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. હરિયાણાના ખેડૂતોએ  તા.27મી સપ્ટેમ્બરના રોજ તમામ રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો દસ કલાક (સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી) બંધ રાખવાનો સંકલ્પ કર્યો છે. ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના દસ મહિના પૂરા થવા પર બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ એ કહ્યું કે, બંધના એલાનમાંથી એમ્બ્યુલન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓને મુક્તિ આપવામાં આવશે. તેમણે કહ્યું, અમે સરકારી નીતિઓ સામે અમારી નારાજગી વ્યક્ત કરી રહ્યા છીએ, પરંતુ જનતાને કોઈ અસુવિધા પહોંચાડવા નથી માંગતા. અમે દુકાનદારો, મજૂરો અને કર્મચારીઓને બંધમાં જોડાવા અને ટેકો આપવા વિનંતી કરી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ અને કિસાન સેલે  સમર્થન જાહેર કર્યું છે. જેને પગલે કોંગ્રેસના આંદોલનકારી નેતાઓ પર આઈબીએ વોચ ગોઠવી દીધી છે. હાઈવે પર ટ્રાફિક રોકવામાં આવે તે કડક પગલાં લેવા પોલીસને પણ સુચના આપવામાં આવી છે.